તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Friday, 10th July 2026
મદ્રાસ હાઈકોર્ટનો મોટો આદેશ: થલાપતિ વિજયને મળી મોટી રાહત, કરુર ભાગદોડના પીડિતોને સોંપશે સરકારી નોકરીના નિમણૂક પત્રો
કોર્ટે મંજૂરી આપી પણ શરતો લગાવી; સીએમ વિજય કરુર પહોંચીને પીડિત પરિવારોને મળશે, સુરક્ષા માટે ૬,૫૦૦ પોલીસ જવાનોનો કાફલો તૈનાત

કરુર, તા.૧૦: તમિલનાડુના મુખ્યમંત્રી અને જાણીતા અભિનેતા સી. જોસેફ વિજય માટે આજે એક ખૂબ જ મહત્વનો દિવસ છે. મદ્રાસ હાઈકોર્ટે તેમને કરુર ભાગદોડ (stampede) દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો સોંપવાની મંજૂરી આપીને મોટી રાહત આપી છે. ગત વર્ષે થયેલી આ કરૂણ ઘટનામાં ૪૧ લોકોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મુખ્યમંત્રી વિજય આજે કરુર આવી રહ્યા છે, જ્યાં તેઓ પીડિતોના પરિવારોને સાંત્વના આપવાની સાથે ૩૨ લોકોને નિમણૂક પત્રો પણ સોંપશે.
હાઈકોર્ટની શરતો: "પગાર માટે રાહ જોવી પડશે"
મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ સી.વી. કાર્તિકેયન અને જસ્ટિસ આર. શક્તિવેલની બેન્ચે આ મામલે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. કોર્ટે નિમણૂકોને મંજૂરી આપતી વખતે સ્પષ્ટ કર્યું છે કે આ નોકરીઓ હાલમાં કામચલાઉ (temporary) ગણાશે. જ્યાં સુધી આ કેસની ફરીથી સુનાવણી ન થાય અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વ્યક્તિઓને તેમનો પ્રથમ પગાર મળશે નહીં. ઉપરાંત, કોર્ટે રાજ્ય સરકારને એક રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં સરકારે સાબિત કરવું પડશે કે આ તમામ નિમણૂકોમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે.
રાજકીય ગરમાવો: વિરોધ અને આક્ષેપ-પ્રત્યાક્ષેપ
મુખ્યમંત્રીના આ નિર્ણયનો ડાબેરી પક્ષો દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે, "રાજકીય રેલી દરમિયાન થયેલા અકસ્માત માટે પીડિતોને વળતર કે નોકરી આપવાની જવાબદારી જે-તે રાજકીય પક્ષની હોય છે, સરકારની નહીં. સરકારી તિજોરી પર આ આર્થિક બોજ શા માટે?"
બીજી તરફ, આ કેસની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઈ (CBI) ને સોંપવામાં આવી છે. ડ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને અન્ય વિપક્ષી દળોનો આરોપ છે કે સીએમ વિજયની આ મુલાકાત ચાલુ તપાસ અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. DMK એ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી કે વિજય અને તેમના મંત્રીઓને પીડિતોને મળતા રોકવામાં આવે. બીજી બાજુ, TVK ના મંત્રી આધવ અર્જુને આ બધાને DMK નું એક મોટું કાવતરું ગણાવ્યું છે.
આર્થિક વિકાસ અને ભવ્ય સુરક્ષા
માત્ર પીડિતોને સહાય જ નહીં, પણ મુખ્યમંત્રી આજે કરુરમાં આશરે ₹૧,૭૦૦ કરોડના ખર્ચે બનનારા એક વિશાળ ખાનગી ફૂટવેર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે અંદાજે ૧૩,૫૦૦ લોકોને રોજગારી મળવાની આશા છે. કાર્યક્રમની ગંભીરતા અને મુખ્યમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરુરમાં ૬,૫૦૦ જેટલા પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
અગાઉ વિજય દ્વારા દરેક પીડિત પરિવારને ₹૨૦ લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી, પરંતુ સરકારી નોકરીનો આ નવો નિર્ણય હવે કાનૂની અને રાજકીય બંને સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ એજન્સીઓ અને કોર્ટ આગળ જતાં આ મામલે શું વલણ અપનાવે છે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
