News of Thursday, 24th September 2026
અમેરિકા જનારાઓ અને વિઝા ધારકો માટે મોટા સમાચાર: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શરૂ કર્યું નવું ડિજિટલ પોર્ટલ, વિઝા નિયમોના ઉલ્લંઘન પર હવે નાગરિકો સીધી રાખશે નજર
'વિઝા એ વિશેષાધિકાર છે, અધિકાર નથી': શંકાસ્પદ ઇમિગ્રેશન છેતરપિંડી અને નિયમભંગની જાણકારી આપવા ઓનલાઇન પ્લેટફોર્મ કાર્યરત, ખોટા અહેવાલ આપનાર સામે કડક દંડ અને જેલની જોગવાઈ

વોશિંગ્ટન ડીસી, તા.૨૪: યુનાઇટેડ સ્ટેટ્સમાં વિઝા અને ઇમિગ્રેશન નિયમોના દુરુપયોગને અટકાવવા માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નવું અને અત્યંત મહત્વપૂર્ણ ડિજિટલ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલના માધ્યમથી સામાન્ય નાગરિકો અને રહેવાસીઓ પ્રવાસી, વિદ્યાર્થી, રોજગાર તેમજ કાયમી રહેઠાણ (ઇમિગ્રન્ટ) શ્રેણીઓમાં થતા સંભવિત વિઝા ઉલ્લંઘનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી સીધી સરકાર સુધી પહોંચાડી શકશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે X પર આ અંગે જાહેરાત કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "યુએસ વિઝા એ એક વિશેષાધિકાર છે, કોઈ અધિકાર નથી."
નવા લોન્ચ થયેલા પોર્ટલ પર બિઝનેસ અને ટૂરિસ્ટ પરમિટ, સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ અને ફેમિલી સ્પૉન્સરશિપ જેવી તમામ મુખ્ય શ્રેણીઓને આવરી લેવામાં આવી છે. તપાસને વધુ સચોટ બનાવવા માટે માહિતી આપનાર વ્યક્તિ શંકાસ્પદ વ્યક્તિનું પૂરું નામ, પાસપોર્ટ અને વિઝા વિગતો, એલિયન નોંધણી નંબર, રહેણાંક સરનામું, ઇમેઇલ, ફોન નંબર અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ જેવી વિગતો આપી શકશે. માત્ર વ્યક્તિઓ જ નહીં, પરંતુ વિઝા કૌભાંડમાં સંકળાયેલી કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને લો ફર્મ્સ સામે પણ આ પોર્ટલ દ્વારા રિપોર્ટ નોંધાવી શકાશે.
આ પોર્ટલની એક મુખ્ય ખાસિયત એ છે કે માહિતી આપનાર વ્યક્તિ પોતાની ઓળખ છતી કર્યા વિના અનામી (Anonymous) રીતે પણ ફરિયાદ નોંધાવી શકે છે. જોકે, વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ અંગત રંજિશ કે અન્ય હેતુથી ઇરાદાપૂર્વક ખોટી કે ભ્રામક માહિતી આપશે, તો તેની સામે ભારે નાણાકીય દંડ અને જેલની સજા સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એકત્રિત કરાયેલી માહિતીના આધારે અમેરિકી કાયદા અમલીકરણ એજન્સીઓ અને ઇમિગ્રેશન વિભાગ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવશે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
