<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

સોનામાં રૂ. ૧૦નું રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર: હવે ડિજિટલ ગોલ્ડ ખરીદવું બનશે વધુ સુરક્ષિત, સરકાર અને સેબી લાવશે કડક નિયમો

રૂ. ૧૦ થી ૧૦૦ માં ઓનલાઇન સોનું વેચતી કંપનીઓ પર વધશે સખત દેખરેખ; બેકઅપમાં ભૌતિક સોનું રાખવું બનશે ફરજિયાત

નવી દિલ્હી, તા.૧૮: આજના સમયમાં ચા મળે કે ન મળે, પરંતુ રૂ. ૧૦ કે રૂ. ૫૦ માં ઓનલાઇન સોનું ખરીદવું અત્યંત સરળ બની ગયું છે. જો તમે પણ ફોનપે, જિયો ફાઇનાન્સ કે અન્ય મોબાઇલ એપ્સ દ્વારા ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરો છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલય ડિજિટલ ગોલ્ડને એક કડક નિયમનકારી માળખા (Regulatory Framework) હેઠળ લાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે આરબીઆઈ (RBI), સેબી (SEBI) અને વિવિધ બેંકો સાથે વિશિષ્ટ ચર્ચાઓ ચાલી રહી છે.

હાલમાં દેશમાં ડિજિટલ ગોલ્ડ ક્ષેત્ર આશરે $૩ બિલિયન (અંદાજે રૂ. ૨૫,૦૦૦ કરોડ) થી વધુની સંપત્તિનું સંચાલન કરે છે, જેમાં ના નાના રોકાણકારોની સંખ્યા ખૂબ મોટી છે. જોકે, આ પ્લેટફોર્મ્સ સેબીના ગોલ્ડ ઈટીએફ (Gold ETF) જેવા નિયમો હેઠળ આવતા ન હોવાથી રોકાણકારોની સુરક્ષા સામે સવાલો ઊભા થતા હતા. પ્રસ્તાવિત નવા નિયમો હેઠળ, હવે ડિજિટલ સોનાના દરેક યુનિટ પાછળ તેટલા જ મૂલ્યનું ભૌતિક સોનું (Physical Gold) વોલ્ટમાં સુરક્ષિત રાખવું કાયદાકીય રીતે ફરજિયાત બનશે, જેથી ઓપરેટરો ગ્રાહકોના નાણાં લઈને ગાયબ ન થઈ શકે.

નવા નિયમો લાગુ થવાથી મની લોન્ડરિંગ અટકાવવાના ઉપાયો મજબૂત થશે અને કંપનીઓ માટે સંગ્રહ, ઓડિટ તથા રેકોર્ડકીપિંગના નિયમો વધુ સખત બનશે. જોકે, કડક નિયમન અને થર્ડ-પાર્ટી ચકાસણીને કારણે કંપનીઓનો ખર્ચ વધી શકે છે, જેની આંશિક અસર ગ્રાહકોની ખરીદ-વેચાણ ફી પર પડી શકે છે. તેમ છતાં, એમએમટીસી-પામ્પ (MMTC-PAMP) જેવા ઉદ્યોગના મુખ્ય ખેલાડીઓએ પણ આ નિયમનકારી પગલાનું સ્વાગત કર્યું છે કારણ કે તેનાથી ગ્રાહકોમાં વિશ્વાસ અને પારદર્શિતા વધશે.

(4:47 PM IST)