તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
મુસાફરો માટે મોટા સમાચાર: ભારતીય રેલ્વેએ શરુ કરી ઓનલાઈન એક્સેસ બેગેજ બુકિંગ સુવિધા, હવે ટ્રેન ટિકિટ સાથે જ બુક કરી શકાશે વધારાનો સામાન!
હવે રેલ્વે સ્ટેશન પર પાર્સલ કાઉન્ટરની લાંબી લાઈનોમાં ઉભા રહેવાની મુક્તિ; કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો ટિકિટ બુકિંગ સમયે જ વધારાના લગેજનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે.

નવી દિલ્હી | તા.31: ટ્રેનમાં વધુ સામાન સાથે મુસાફરી કરતા મુસાફરો માટે ભારતીય રેલ્વેએ એક અત્યંત રાહતજનક અને ડિજિટલ સુવિધાની શરૂઆત કરી છે. હવે મુસાફરો ટ્રેન ટિકિટ બુક કરાવતી વખતે જ પોતાના વધારાના સામાન (એક્સેસ બેગેજ) નું બુકિંગ અને ચુકવણી ઓનલાઈન કરી શકશે. રેલ્વેના આ ક્રાંતિકારી પગલાથી મુસાફરોને બોર્ડિંગ પહેલાં સ્ટેશન પર પાર્સલ ઓફિસના ધક્કા ખાવામાંથી અને કાગળકામની લાંબી ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે.
આ નવી સુવિધાનો લાભ માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો જ મેળવી શકશે. નિયમો અનુસાર, એસી ફર્સ્ટ ક્લાસ, એસી ટુ-ટાયર, ફર્સ્ટ ક્લાસ, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના મુસાફરો પોતાના નિર્ધારિત ફ્રી લિમિટથી વધુ સામાન માટે ઓનલાઈન બુકિંગ કરી શકશે. જોકે, એસી 3-ટાયર અને એસી ચેર કારના મુસાફરો માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં, કારણ કે આ વર્ગોમાં મંજૂર મહત્તમ સામાન મર્યાદા ફ્રી લિમિટ (40 કિલો) જેટલી જ રાખવામાં આવી છે.
વર્ગ અનુસાર સામાનની મર્યાદા અને કદ:
· એસી ફર્સ્ટ ક્લાસ: 70 કિલો ફ્રી (મહત્તમ 150 કિલો સુધી બુક કરી શકાશે).
· એસી 2-ટાયર & ફર્સ્ટ ક્લાસ: 50 કિલો ફ્રી (મહત્તમ 100 કિલો).
· સ્લીપર ક્લાસ: 40 કિલો ફ્રી (મહત્તમ 80 કિલો).
· સેકન્ડ ક્લાસ: 35 કિલો ફ્રી (મહત્તમ 70 કિલો).
સામાનના વજન ઉપરાંત રેલ્વેએ કદની મર્યાદા પણ નક્કી કરી છે. સામાન્ય કોચ માટે સામાનનું કદ 100 સેમી × 60 સેમી × 25 સેમી સુધી હોવું જોઈએ, જ્યારે એસી 3-ટાયર અને ચેર કાર માટે 55 સેમી × 45 સેમી × 22.5 સેમીનું નાનું કદ નિર્ધારિત કરવામાં આવ્યું છે. રેલ્વેના આ નિર્ણયથી ડિજિટલ મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
