તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
ભારત જનારા OCI કાર્ડધારકો માટે મોટા સમાચાર: પ્રતિબંધિત પ્રવૃત્તિઓ અને સરકારી પરવાનગી અંગે બ્યુરો ઓફ ઈમિગ્રેશને બહાર પાડી નવી કડક માર્ગદર્શિકા
લાઈફલોંગ વિઝા હોવા છતાં હવે સંશોધન, પત્રકારત્વ અને પર્વતારોહણ જેવી ૬ મહત્વની પ્રવૃત્તિઓ માટે ભારતમાં પ્રવેશતા પહેલાં લેવી પડશે ફ્રેન્ડ્સ રીજીયોનલ રજીસ્ટ્રેશન ઓફિસ (FRRO) કે ઈન્ડિયન મિશનની મંજૂરી

નવી દિલ્હી, તા.૦૩: કેન્દ્ર સરકારના બ્યુરો ઓફ ઈમિગ્રેશન (BoI) દ્વારા વિદેશમાં વસતા ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારકો માટે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ નવીનતમ રીમાઇન્ડર અનુસાર, જો કોઈ ઓસીઆઈ કાર્ડધારક ભારતમાં આવીને ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા ઈચ્છતા હોય, તો તેમણે મુસાફરી કરતા પહેલાં સત્તાવાર પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે. જો કે, ભારત સરકાર ઓસીઆઈ કાર્ડધારકોને આજીવન વિઝા-મુક્ત પ્રવાસ અને ભારતમાં રહેવાની સુવિધા આપે છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને નિયમોના ભાગરૂપે આ સ્પષ્ટતા કરવામાં આવી છે.
સરકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરાયેલી વિગતો મુજબ, છ અલગ-અલગ શ્રેણીની પ્રવૃત્તિઓ માટે ફોરેનર્સ રીજીયોનલ રજીસ્ટ્રેશન ઓફિસ (FRRO) અથવા સંબંધિત ભારતીય મિશન (એમ્બેસી) પાસેથી અગાઉથી પરવાનગી (Clearance) લેવી પડશે. આ પ્રવૃત્તિઓમાં શૈક્ષણિક સંશોધન (Research), પત્રકારત્વનું કાર્ય (Journalism), પર્વતારોહણ ( mountaineering), વિદેશી રાજદ્વારી મિશનો અથવા વિદેશી સરકારી સંસ્થાઓ સાથે ભારતમાં ઈન્ટર્નશિપ, વિદેશી દૂતાવાસોમાં રોજગાર, તેમજ મિશનરી અથવા તબલીગી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ સિવાય, ભારતના સુરક્ષિત, પ્રતિબંધિત કે નિકટવર્તી સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેવા માટે પણ અલગથી 'સ્પેશિયલ પરમિટ' લેવી પડશે.
આ મહત્વની જાહેરાત ભારત સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી નવી ઈલેક્ટ્રોનિક ઓસીઆઈ (e-OCI) સિસ્ટમના થોડા દિવસો બાદ જ સામે આવી છે. આ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી પ્રવાસીઓ હવે પોતાના સ્માર્ટફોન પર જ ડિજિટલ ઓસીઆઈ કાર્ડ ડાઉનલોડ કરી શકશે, જેથી મુસાફરી દરમિયાન ભૌતિક બુકલેટ સાથે રાખવાની જરૂરિયાત ઓછી થશે. ઈમિગ્રેશન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જૂની ફિઝિકલ બુકલેટ પણ એટલી જ માન્ય રહેશે અને ઈ-ઓસીઆઈ માત્ર વધારાની સુવિધા તરીકે ડિજિટલ ઓપ્શન પૂરું પાડે છે. જો કે, આ તમામ ડિજિટાઈઝેશન છતાં નિયમોનું પાલન કરવું દરેક વિદેશી ભારતીય માટે ફરજિયાત રહેશે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
