News of Wednesday, 8th July 2026
એનઆરઆઈ (NRI) માટે મોટા સમાચાર: ભારત સરકાર આજથી ડિજિટલ ‘ઈ-ઓસીઆઈ’ (e-OCI) કાર્ડ રજૂ કરશે; હવે પાસપોર્ટ સાઇઝની ભૌતિક બુકલેટ સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ
નવી વ્યવસ્થા હેઠળ ૨૦ કે ૫૦ વર્ષની ઉંમરે પાસપોર્ટ બદલાતા કાર્ડ રિન્યુઅલ કરાવવું નહીં પડે; વિગતો ઓનલાઇન અપડેટ થશે, લગ્ન આધારિત અરજીઓ માટે જ ઇન્ટરવ્યુ ફરજિયાત

નવી દિલ્હી, તા.૦૮: વિદેશમાં વસતા ભારતીય મૂળના નાગરિકો (Diaspora) માટે પ્રવાસ અને ઇમિગ્રેશનની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવતા એક ઐતિહાસિક નિર્ણય હેઠળ, ભારત સરકારે આજથી એટલે કે ૮ જુલાઈ, ૨૦૨૬ થી સંપૂર્ણપણે ડિજિટલ 'ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા' (e-OCI) કાર્ડ જારી કરવાની સત્તાવાર શરૂઆત કરી દીધી છે. બ્યુરો ઓફ ઇમિગ્રેશન (BOI) દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, હવેથી તમામ નવા અરજદારોને માત્ર ડિજિટલ ફોર્મેટમાં જ ઓસીઆઈ કાર્ડ આપવામાં આવશે, જે નવી નોંધણી માટે ભૌતિક પાસપોર્ટ કદની પુસ્તિકાઓ (બુકલેટ) છાપવાની પરંપરાગત પ્રથાનો અંત લાવશે.
આ ક્રાંતિકારી ડિજિટલ સુધારા અંગે માહિતી આપતા બ્યુરો ઓફ ઇમિગ્રેશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું છે કે, હવે પ્રવાસીઓએ પોતાની ભૌતિક OCI પુસ્તિકા દરેક જગ્યાએ સાથે લઈને ફરવાની જરૂર નથી. નવા અને વર્તમાન તમામ કાર્ડધારકો પોતાના મોબાઇલ ફોન પર ડિજિટલ ઈ-ઓસીઆઈ કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકશે અને આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સ તેમજ સંબંધિત એરલાઇન્સ સમક્ષ પોતાના વિદેશી પાસપોર્ટ સાથે આ ડિજિટલ કાર્ડ રજૂ કરીને મંજૂરી મેળવી શકશે. જોકે, સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે નાગરિકો પાસે હાલમાં જૂની ભૌતિક બુકલેટ છે, તે સંપૂર્ણપણે માન્ય રહેશે.
કાર્ડ રિન્યુઅલની માથાકૂટ બંધ, ઓનલાઇન અપડેટની સુવિધા
નવા નિયમો હેઠળ સરકારે પ્રક્રિયાને ડિજિટલ બનાવવાની સાથે ઓસીઆઈ ધારકો માટેના કાયદાકીય નિયમો પણ હળવા કર્યા છે. અગાઉ ૨૦ વર્ષ કે ૫૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી નવો વિદેશી પાસપોર્ટ મેળવતી વખતે અથવા નામ, રાષ્ટ્રીયતા અને લિંગ જેવી વ્યક્તિગત વિગતોમાં ફેરફાર થતી વખતે OCI કાર્ડ ફરીથી રિન્યુ (નવીકરણ) કરાવવું પડતું હતું, જેમાં લાંબો સમય જતો હતો. હવે કાર્ડધારકો આ પ્રકારના કોઈ પણ ફેરફાર સત્તાવાર OCI સેવાઓ પોર્ટલ પર જઈને કોઈપણ વધારાના ચાર્જ કે રિન્યુઅલ પ્રક્રિયા વગર સીધા ઓનલાઈન અપડેટ કરી શકશે.
જીવનસાથી-આધારિત અરજીઓ માટે જ વ્યક્તિગત ઇન્ટરવ્યુ
ઇમિગ્રેશન વિભાગે વહીવટી પારદર્શિતા વધારવા માટે ઇન્ટરવ્યુના નિયમોમાં પણ મોટો ફેરફાર કર્યો છે. સુધારેલી માર્ગદર્શિકા મુજબ, હવે માત્ર નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ની કલમ ૭એ(૧)(ડી) હેઠળ એટલે કે ભારતીય નાગરિક સાથે લગ્નના આધારે OCI નોંધણી મેળવવા માંગતા વિદેશી અરજદારો માટે જ વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણીનું પગલું ફરજિયાત રહેશે. આ ઇન્ટરવ્યુ સંબંધિત ભારતીય મિશન, એમ્બેસી અથવા ફોરેનર્સ રીજનલ રજીસ્ટ્રેશન ઓફિસ (FRRO) દ્વારા ઓનલાઈન સિસ્ટમ પર અરજી સ્વીકારતા પહેલાં લેવામાં આવશે. આ સિવાયની અન્ય તમામ સામાન્ય કેટેગરીની અરજીઓ માટે કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં, જેનાથી સામાન્ય અરજદારોના સમય અને શ્રમની મોટી બચત થશે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
