<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

દિલ્હીમાં વાહનચાલકો માટે મોટા સમાચાર: ખોટા ટ્રાફિક ચલણને કોર્ટમાં પડકારતા પહેલાં પ૦% રકમ જમા કરાવવી પડશે, જાણી લો નવો નિયમ

ઇ-ચલણ વિવાદમાં સીધા અદાલતે જવાની જરૂર નથી; પહેલાં ટ્રાફિક ઓથોરિટી કરશે ડિજિટલ પુરાવાની સમીક્ષા, કેસ સાચો ઠરે તો જમા રકમ પરત મળશે

નવી દિલ્હી, તા.૧૮: દિલ્હીમાં ટ્રાફિક ચલણ સંબંધિત કાયદાઓ અને પ્રક્રિયામાં એક અત્યંત મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમને લાગે છે કે ટ્રાફિક પોલીસે કે સીસીટીવી કેમેરાએ તમારું ઇ-ચલણ ખોટી રીતે કાપ્યું છે અને તમે તેને અદાલતમાં સવાલ કરવા માગો છો, તો હવે તમારે સુનાવણી શરૂ થાય તે પહેલાં જ ચલણની કુલ રકમના પ૦% અગાઉથી ચૂકવવા પડશે. આ નવો નિયમ લાગુ થતાં જ વાહનચાલકો માટે ચલણ પડકારવાની પ્રક્રિયામાં એક નવું કાનૂની ચરણ ઉમેરાઈ ગયું છે.

નવી સિસ્ટમ મુજબ, હવે કોઈ પણ ડ્રાઇવર ખોટા ચલણ સામે સીધા કોર્ટના દરવાજા ખટખટાવી શકશે નહીં. તે પહેલાં તેમણે સંબંધિત ટ્રાફિક ઓથોરિટીનો સંપર્ક કરીને ઈ-ચલણ સામે વાંધો નોંધાવવો પડશે. અધિકારીઓ કેમેરા ફૂટેજ, સ્પીડ સેન્સર ડેટા અને અન્ય ડિજિટલી રેકોર્ડ થયેલી માહિતીની સંપૂર્ણ તપાસ કરશે. જો ઓથોરિટીને ખાતરી થાય કે ચલણ ભૂલથી ઇશ્યૂ થયું હતું, તો તેને તે જ તબક્કે રદ કરી દેવાશે. પરંતુ, જો ઓથોરિટી ચલણ રદ કરવાનો ઇનકાર કરે અને વાહનચાલક તે નિર્ણયથી અસંતુષ્ટ હોય, તો જ તે કોર્ટમાં જઈ શકશે – પણ તે માટે પ૦% રકમ એડવાન્સ જમા કરાવવી ફરજિયાત રહેશે.

ઉદાહરણ તરીકે, જો તમારું ₹૨,૦૦૦ નું ચલણ કાપવામાં આવ્યું હોય, તો કેસની સુનાવણી શરૂ કરવા માટે ₹૧,૦૦૦ જમા કરાવવા પડશે, જ્યારે ₹૫,૦૦૦ ના ચલણ માટે ₹૨,૫૦૦ પૂર્વ-શરત રૂપે ભરવાના રહેશે. જોકે, આ રકમ ભરવાનો અર્થ એ નથી કે તમે ગુનો સ્વીકારી લીધો છે; જો સુનાવણી દરમિયાન કોર્ટમાં ચલણ ખોટું સાબિત થાય, તો ડ્રાઇવરને તેમના પ૦% નાણાં પૂરેપૂરા પરત કરી દેવામાં આવશે. જો ચલણ યોગ્ય જણાશે, તો બાકીના પ૦% નાણાં વસૂલવામાં આવશે. દિલ્હી પોલીસના મતે આ નિર્ણયથી અદાલતોમાં બિનજરૂરી કેસોનું ભારણ ઘટશે.

(4:41 PM IST)