તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
મેડિકલ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: NMC એ 'એલિજિબિલિટી સર્ટિફિકેટ' માટે પોર્ટલ ફરી ખોલ્યું, ૦૭ ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે!
અગાઉ ટેકનિકલ ખામીને કારણે વંચિત રહી ગયેલા ઉમેદવારોને રાહત: નેશનલ મેડિકલ કમિશને વધારાની તક આપી, અપૂર્ણ ફોર્મ સીધા જ રદ થશે

નવી દિલ્હી : વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા અથવા પાત્રતા પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં અટવાયેલા વિદ્યાર્થીઓ માટે નેશનલ મેડિકલ કમિશન (NMC) એ એક મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લીધો છે. અગાઉ પોર્ટલમાં આવેલી ટેકનિકલ મુશ્કેલીઓ અને ઉમેદવારોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને NMC ના 'એથિક્સ એન્ડ મેડિકલ રજીસ્ટ્રેશન બોર્ડ' (EMRB) દ્વારા 'પાત્રતા પ્રમાણપત્ર' (Eligibility Certificate) માટે અરજી કરવાની ઓનલાઈન વિન્ડો ફરીથી ખોલવામાં આવી છે.
૭ ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે
NMC ની જાહેર સૂચના મુજબ, ઓનલાઈન અરજી કરવા માટેનું પોર્ટલ ૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી કાર્યરત થઈ ગયું છે. જે ઉમેદવારો અગાઉની ૩૦ સપ્ટેમ્બરની સમયમર્યાદા સુધીમાં અરજી સબમિટ કરી શક્યા ન હતા, તેઓ હવે ૭ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી પોતાની અરજીઓ NMC ના સત્તાવાર પોર્ટલ પર સબમિટ કરી શકશે. કમિશને ઉમેદવારોને અંતિમ ઘડીની ઉતાવળ અને નેટવર્ક સમસ્યાઓથી બચવા માટે વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાસ સલાહ આપી છે.
અપૂર્ણ અરજીઓ થશે સીધી રદ
અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ વિશેષ કાળજી રાખવી પડશે. કમિશને સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈપણ પ્રકારની અપૂર્ણ અથવા ખોટી માહિતી ધરાવતી અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવશે નહીં અને તેને તરત જ રદ કરી દેવામાં આવશે. આ સર્ટિફિકેટ જારી કરતા પહેલાં વર્તમાન નિયમો અને પાત્રતાના તમામ ધોરણોની કડક ચકાસણી કરવામાં આવે છે, તેથી તમામ જરૂરી દસ્તાવેજો અને વિગતો સચોટ રીતે અપલોડ કરવી અનિવાર્ય છે.
ઈમેલ અને પોર્ટલ પર નજર રાખવા સૂચના
જે ઉમેદવારો અરજી કરી રહ્યા છે તેમને નિયમિતપણે પોતાનું રજિસ્ટર્ડ ઈમેલ આઈડી તેમજ NMC નું સત્તાવાર ઓનલાઈન પોર્ટલ ચેક કરતા રહેવા જણાવાયું છે, જેથી ચકાસણી સંબંધિત કોઈ માહિતી કે અપડેટ ચૂકી ન જવાય. આ વધારાની તક ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે સંજીવની સમાન સાબિત થશે જેઓ ટેકનિકલ ખામીઓના કારણે અગાઉ ફોર્મ ભરવાથી રહી ગયા હતા.

(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
