તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
કેનેડામાં કામ કરતા ભારતીયો માટે મોટા સમાચાર: વર્ક પરમિટના સપોર્ટ લેટરની વેલિડિટી બમણી કરાઈ, હવે 180 ને બદલે 365 દિવસ સુધી રહેશે માન્ય
'મેન્ટેન્ડ સ્ટેટસ' હેઠળ આવતા વિદેશી કામદારોને મોટી રાહત; નવી પરમિટની રાહ જોતા યુવાનો હવે વર્ષભર ટેન્શન વગર કરી શકશે કામ

ઓટાવા, તા. 29: કેનેડામાં સ્થાયી થયેલા અને ત્યાં નોકરી કરી રહેલા હજારો ભારતીય કામદારો માટે ભારત સરકાર અને કેનેડા સરકાર વચ્ચેના તણાવની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. કેનેડાના ઈમિગ્રેશન વિભાગ (IRCC) એ વર્ક ઓથોરાઈઝેશન સપોર્ટ લેટર, જેને 'WP-EXT' લેટર તરીકે ઓળખવામાં આવે છે, તેની વેલિડિટી વધારવાનો મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આ લેટર માત્ર 180 દિવસ માટે માન્ય રહેતો હતો, જેની મર્યાદા હવે વધારીને સીધી 365 દિવસ એટલે કે આખું એક વર્ષ કરી દેવામાં આવી છે.
આ ફેરફાર તેવા વિદેશી કામદારોને લાગુ પડશે જેઓ 'મેન્ટેન્ડ સ્ટેટસ' (Maintained Status) પર છે. એટલે કે, જે લોકોની જૂની વર્ક પરમિટ પૂરી થવાની હતી અને તેમણે નવી પરમિટ માટે સમયસર અરજી કરી દીધી છે. જ્યાં સુધી કેનેડા સરકાર તેમની નવી અરજી પર કોઈ નિર્ણય ન લે, ત્યાં સુધી તેઓ આ લેટરના આધારે કાયદેસર રીતે પોતાની નોકરી ચાલુ રાખી શકે છે. પહેલા 180 દિવસમાં નિર્ણય ન આવે તો કામદારોમાં ચિંતા વધતી હતી, પરંતુ હવે 365 દિવસની મર્યાદા મળતા તેમને મોટું સુરક્ષા કવચ મળ્યું છે.
જોકે, ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ નવો નિયમ 'પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ' (PGWP) ધરાવતા વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે નહીં. ગ્રેજ્યુએશન પછી વર્ક પરમિટ મેળવનારા વિદ્યાર્થીઓ માટે સપોર્ટ લેટરની મર્યાદા હજુ પણ 180 દિવસ જ રહેશે. IRCC એ સ્પષ્ટ કર્યું છે કે આ સપોર્ટ લેટર પોતે વર્ક પરમિટ નથી, પરંતુ તે માત્ર એ વાતનો પુરાવો છે કે અરજદાર નવી પરમિટની પ્રક્રિયા ચાલુ હોવાથી કામ કરવા માટે પાત્ર છે.
કેનેડાના આ નિર્ણયથી ખાસ કરીને આઈટી અને હેલ્થકેર સેક્ટરમાં કામ કરતા ભારતીયોને ઘણો ફાયદો થશે. કેનેડામાં હાલમાં ઈમિગ્રેશન અરજીઓનો મોટો ભરાવો હોવાથી પ્રોસેસિંગમાં સમય લાગી રહ્યો છે. આવી સ્થિતિમાં, એક વર્ષની વેલિડિટી મળવાથી કામદારોએ વારંવાર કાગળિયાની દોડધામ કરવી પડશે નહીં અને તેમની નોકરી પર પણ કોઈ જોખમ આવશે નહીં. ઈમિગ્રેશન વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈની અરજી નકારવામાં આવે અથવા અધૂરી ગણાય, તો આ સ્ટેટસ તરત જ સમાપ્ત થઈ જશે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
