<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ન્યુઝીલેન્ડ જવા માંગતા ભારતીયો માટે મોટા સમાચાર: 30 નવેમ્બરથી ‘છ-પોઇન્ટ’ સ્કીલ્ડ માઇગ્રન્ટ વિઝા અરજીઓને મળતી ખાસ પ્રાથમિકતા બંધ થશે

માસ્ટર્સ ડિગ્રી, વ્યવસાયિક નોંધણી કે ઊંચા પગારના આધારે વિઝા મેળવનારાઓને સીધી અસર; ડોકટરો અને એન્જિનિયરો માટે રાહત યથાવત, ઇમિગ્રેશન વિભાગ હવે ‘ગ્રુપ પ્રોસેસિંગ’ સિસ્ટમ લાગુ કરશે

ઓકલેન્ડ, તા. ૨૬: ન્યુઝીલેન્ડમાં સ્થાયી થવાનું સપનું જોઈ રહેલા ભારતીય વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે ઇમિગ્રેશન નિયમોમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ન્યુઝીલેન્ડ સરકાર આગામી 30 નવેમ્બર, 2026થી 'સ્કીલ્ડ માઇગ્રન્ટ કેટેગરી' (SMC) રેસિડેન્ટ વિઝા અરજીઓ પર પ્રક્રિયા કરવાની પદ્ધતિ બદલી રહી છે. આ નવા નિયમ મુજબ, અમુક ચોક્કસ શ્રેણીમાં 'છ પોઇન્ટ'નો દાવો કરતી વિઝા અરજીઓને અત્યાર સુધી જે ઝડપી પ્રાથમિકતા (Priority) મળતી હતી, તે હવે બંધ કરવામાં આવશે.

સુધારેલી સિસ્ટમ હેઠળ, ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ હવે એવા અરજદારોને પ્રાથમિકતા નહીં આપે જેઓ ન્યુઝીલેન્ડમાં પૂર્ણ-સમયના અભ્યાસ બાદ મેળવેલી ડોક્ટરલ (PhD) કે માસ્ટર ડિગ્રી, વ્યવસાયિક નોંધણી અથવા વર્તમાન સરેરાશ વેતનના ત્રણ ગણા પગારના આધારે છ પોઇન્ટનો દાવો કરે છે. ઓગસ્ટ 2026થી આ કેટેગરીમાં અરજીઓનો ભરાવો થયો છે. આંકડા મુજબ, કુલ અરજીઓમાંથી 44 ટકા અરજીઓ માત્ર ન્યુઝીલેન્ડની માસ્ટર ડિગ્રીના આધારે છ પોઇન્ટ મેળવનારાઓની હતી, જેના કારણે તંત્ર માટે દરેક અરજીને પ્રાથમિકતા આપવી અવ્યવહારુ બની ગઈ હતી.

જોકે, આ ફેરફાર વચ્ચે પણ અમુક ખાસ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે રાહતના સમાચાર છે. ન્યુઝીલેન્ડની 'ટાયર-1 ગ્રીન લિસ્ટ'માં સામેલ વ્યવસાયો—જેમ કે ડોકટરો, નર્સ પ્રેક્ટિશનરો અને એન્જિનિયરોની અરજીઓને પહેલાની જેમ જ પ્રાથમિકતા મળતી રહેશે. આ ઉપરાંત, જે અરજીઓ ઇમિગ્રેશન અધિકારીઓને પહેલેથી જ ફાળવી દેવામાં આવી છે, તેની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ રહેશે.

પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે ઇમિગ્રેશન ઓથોરિટી હવે એક નવી 'જૂથ સિસ્ટમ' (Grouping System) પણ દાખલ કરી રહી છે. આ અંતર્ગત એક જ કંપની (એમ્પ્લોયર), એક જ વ્યવસાય અથવા એક જ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલી અરજીઓને એક જૂથમાં મૂકવામાં આવશે. શરૂઆતમાં, એક જ વ્યવસાયમાં પાંચ કે તેથી વધુ લોકોની અરજીઓનું જૂથ બનાવીને તેને પ્રાથમિકતાના ધોરણે ચકાસવામાં આવશે.

આ નવી પદ્ધતિથી ઇમિગ્રેશન અધિકારીઓનો સમય બચશે. ઉદાહરણ તરીકે, જો પાંચ અરજદારો એક જ કંપનીમાં કામ કરતા હશે, તો અધિકારીએ દરેક માટે અલગ-અલગ તપાસ કરવાને બદલે કંપનીનો માત્ર એક જ વાર સંપર્ક કરીને તમામ વિગતોની ખરાઈ કરી શકશે. જ્યાં સુધી આ જૂથબદ્ધ અરજીઓનો નિકાલ નહીં આવે, ત્યાં સુધી અન્ય સામાન્ય અરજીઓ કતારમાં રહેશે. આ નિર્ણયની સીધી અસર ન્યુઝીલેન્ડમાં કાયમી વસવાટ કરવા ઈચ્છતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ પર પડશે.

(5:24 PM IST)