News of Monday, 3rd August 2026
દુબઈમાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર: શેર્ડ હાઉસિંગ માટે લાગુ થવા જઈ રહ્યો છે કડક નવો કાયદો, નિયમભંગ પર ૧૦ લાખ દિરહામ સુધીનો ભારી દંડ!
દુબઈમાં રૂમમેટ્સ કે ફ્લેટ-શેરિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ સબલેટિંગ માટે મકાનમાલિકની લેખિત મંજૂરી અને મ્યુનિસિપાલિટીની પરમિટ ફરજિયાત: ઓગસ્ટ ૨૦૨૬થી નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે.

દુબઈ — તા.03 યુનાઈટેડ અરબ અમીરાત (UAE) ના દુબઈ શહેરમાં વસવાટ કરતા લાખો ભારતીય પ્રવાસીઓ માટે રહેઠાણને લઈને એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. દુબઈ સરકારે ૨૦૨૬ નો કાયદો નંબર (૪) જારી કર્યો છે, જે હેઠળ શેર્ડ હાઉસિંગ (એક જ ફ્લેટ કે વિલામાં સાથે રહેવું) માટે નવું અને અત્યંત કડક કાનૂની માળખું રજૂ કરવામાં આવ્યું છે. ૧૧ માર્ચ ૨૦૨૬ ના રોજ જાહેર કરાયેલો આ કાયદો ૧૮૦ દિવસ પછી, એટલે કે ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ થી સમગ્ર દુબઈમાં અમલી બની જશે.
ઘણા ભારતીય મુસાફરો અને કામદારોમાં એવી અફવા હતી કે દુબઈમાં રૂમમેટ્સ સાથે રહેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ નવા કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મિત્રો, પરિવારજનો કે સહકર્મીઓ સાથે રહેવા પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ, અનૌપચારિક રીતે રૂમ કે બેડ-સ્પેસ ભાડે આપવાની (સબલેટિંગ) પ્રથા પર સખત વેક મૂકવામાં આવી છે. જો કોઈ ભાડૂતો પોતાના ભાડાનો બોજ હળવો કરવા માટે મકાનમાલિકની લેખિત સંમતિ વિના બીજા કોઈને ફ્લેટનો ભાગ ભાડે આપશે, તો તેને કરારનો ગંભીર ભંગ ગણવામાં આવશે.
નવા કાયદાનો સૌથી મોટો ફેરફાર એ છે કે હવેથી કોઈ પણ શેર્ડ રહેઠાણ અનૌપચારિક કે ગેરકાયદેસર રીતે ચલાવી શકાશે નહીં. આવા કોઈપણ એપાર્ટમેન્ટ કે વિલા માટે દુબઈ મ્યુનિસિપાલિટી અને દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટ પાસેથી સત્તાવાર પરમિટ લેવી ફરજિયાત બનશે. પરમિટ મેળવવા માટે મિલકતમાં અગ્નિ સલામતી, સ્વચ્છતા, વિદ્યુત ધોરણો અને રહેવાસીઓ માટે પૂરતી જગ્યા જેવી શરતોનું પાલન કરવું પડશે. આ પરમિટ ૧ થી ૨ વર્ષ માટે મળશે અને તેની મુદત પૂરી થવાના ૩૦ દિવસ પહેલા નવીકરણ કરાવવું પડશે.
આ ઉપરાંત, કાયદા મુજબ માત્ર મિલકતનો મૂળ માલિક અથવા લાયસન્સ ધરાવતી સત્તાવાર એજન્સી જ શેર્ડ રહેઠાણ ભાડે આપી શકશે. સામાન્ય ભાડૂતો સ્વતંત્ર રીતે બીજા કોઈને રૂમ કે બેડ-સ્પેસ ભાડે આપી શકશે નહીં. સોશિયલ મીડિયા કે અનૌપચારિક માધ્યમો પર ગેરકાયદેસર બેડ-સ્પેસની જાહેરાતો કરવા પર પણ કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.
જો કોઈ વ્યક્તિ કે મકાનમાલિક આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડકમાં કડક નાણાકીય અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક નિયમભંગ માટે ૫૦૦ થી લઈને ૫,૦૦,૦૦૦ અમીરાતી દિરહામ સુધીના દંડની જોગવાઈ છે. જ્યારે વારંવાર ગુનો કરનાર સામે દંડની રકમ વધારીને ૧૦ લાખ દિરહામ (AED 1 Million) સુધી કરી શકાશે. આ ઉપરાંત અધિકારીઓ પાસે રહેઠાણની પરમિટ રદ કરવાની અને મિલકતને સીલ કરવાની પણ સત્તા રહેશે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
