<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

અમેરિકા ભણવા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: હવે વિઝા ઓપન-એન્ડેડ નહીં પણ 'ફિક્સ્ડ-ટર્મ' મળશે, શું PhD અને માસ્ટર્સ કરનારાઓનો ક્રેઝ ઘટશે?

યુએસના નવા નિયમોથી ૨૦૨૭થી એડમિશન લેનારા વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર; કેઝ્યુઅલ અરજદારો હવે કેનેડા, યુકે કે ઓસ્ટ્રેલિયા તરફ વળે તેવી શક્યતા

નવી દિલ્હી, તા.૩૦: અમેરિકાની કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ, ખાસ કરીને PhD, સંશોધન-સઘન માસ્ટર ડિગ્રી અથવા લાંબા ગાળાના પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. વોશિંગ્ટન પ્રશાસન હવે ઓપન-એન્ડેડ (લાંબા સમય સુધી લંબાવી શકાય તેવા) સ્ટુડન્ટ વિઝાને બદલે 'ફિક્સ્ડ-ટર્મ એડમિશન પિરિયડ' લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ નવા નિયમ અંતર્ગત વિઝાનો સમયગાળો મહત્તમ ચાર વર્ષ સુધી જ મર્યાદિત રહી શકે છે. નિષ્ણાતોના મતે, આનાથી પાનખર ૨૦૨૬ના એડમિશન પર ખાસ અસર નહીં થાય, પરંતુ વસંત અને પાનખર ૨૦૨૭ના આંકડાઓમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
શું છે આ 'સ્થિતિની અવધિ' (Duration of Status) નો નવો નિયમ?
વ્હાઇટ હાઉસ ઑફિસ ઑફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (OMB) દ્વારા તાજેતરમાં જ વિદ્યાર્થી વિઝાના વર્તમાન નિયમોની સમીક્ષા પૂર્ણ કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થશે. નવા પ્રસ્તાવ મુજબ, F (સ્ટુડન્ટ), J (એક્સચેન્જ વિઝિટર) અને I (મીડિયા) વિઝા ધારકો માટે પ્રવેશનો સમયગાળો નક્કી કરી દેવામાં આવશે.
'લીવરેજ એજ્યુ'ના સ્થાપક અને સીઈઓ અક્ષય ચતુર્વેદી જણાવે છે કે,
"આ ફિક્સ્ડ-ટર્મ વિઝા માળખું મુખ્યત્વે ડોક્ટરલ (PhD) અને ડ્યુઅલ-ડિગ્રીના ઉમેદવારોને અસર કરશે, જ્યારે સામાન્ય માસ્ટર્સ અને અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પર આની માળખાકીય અસરો ઓછી જોવા મળશે."
વાલીઓ અને વિદ્યાર્થીઓની ચિંતા બદલાઈ: હવે પહેલો સવાલ વિઝાનો!
અત્યાર સુધી ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ત્યાં સુધી રહી શકતા હતા જ્યાં સુધી તેમનો અભ્યાસ ચાલુ રહે. પરંતુ હવે નિયમો કડક થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્નો બદલાયા છે. 'યુનિવર્સિટી લિવિંગ'ના સીઈઓ સૌરભ અરોરાના જણાવ્યા અનુસાર, પહેલાં લોકો યુનિવર્સિટી, ફી, સ્કોલરશિપ અને રહેવાના ખર્ચ વિશે પૂછતા હતા, પણ હવે વાતચીતની શરૂઆતમાં જ વિઝાની સ્પષ્ટતા અને અભ્યાસ પછીના કામ (Post-study work planning) અંગે પૂછપરછ કરવામાં આવે છે.
અમેરિકામાં ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષમાં રેકોર્ડબ્રેક ૩,૬૩,૦૧૯ ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જો કે, ઇમિગ્રેશન નિષ્ણાતો માને છે કે ગંભીર અને STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ) ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે યુએસ હજી પણ આકર્ષક રહેશે, પણ માત્ર વિદેશ જવા ખાતર નબળા કોર્સ પસંદ કરનારા કેઝ્યુઅલ અરજદારો હવે ખચકાશે.
₹૧-૨ કરોડનો સવાલ: વિદ્યાર્થીઓ પાસે હવે 'પ્લાન-બી' તૈયાર
વધતી જતી ચકાસણી અને સોશિયલ મીડિયા સ્ક્રીનિંગના કારણે ભારતીય પરિવારો હવે અમેરિકાને એકમાત્ર વિકલ્પ તરીકે જોવાને બદલે બહુવિધ દેશોની તુલના કરી રહ્યા છે. ઘણી કન્સલ્ટન્સી કંપનીઓ વિદ્યાર્થીઓને તેમની પ્રોફાઇલના આધારે યુકે, યુરોપ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા કે કેનેડા જેવા દેશોને 'બેકઅપ ઓપ્શન' તરીકે રાખવાની સલાહ આપી રહી છે. 'કોલેજિફાય'ના સ્થાપક આદર્શ ખંડેલવાલે યોગ્ય જ કહ્યું છે કે,
"કોઈપણ ગંભીર પરિવારે માત્ર એક જ ઇમિગ્રેશન ધારણા પર પોતાના સંતાનોના શિક્ષણ પાછળ ₹૧થી ૨ કરોડનો આંધળો આર્થિક નિર્ણય ન લેવો જોઈએ."

(3:39 PM IST)