તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે મોટા સમાચાર: ₹3,075માં મળશે FASTag વાર્ષિક પાસ, 1 કરોડથી વધુ લોકોએ ખરીદ્યો
NHAI દ્વારા 'OneTag' પોર્ટેબિલિટી પણ શરૂ: સ્ટીકર બદલ્યા વિના હવે સરળતાથી બેંક બદલી શકાશે

નવી દિલ્હી : દેશભરના નેશનલ હાઇવે અને એક્સપ્રેસવે પર નિયમિત મુસાફરી કરતા વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા FASTag વાર્ષિક પાસ (FASTag Annual Pass) એ સફળતાનો નવો ઇતિહાસ રચ્યો છે. ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરાયેલા આ પાસનો ઉપયોગ માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં 1 કરોડ (10 મિલિયન)થી વધુ વાહનચાલકો કરી ચૂક્યા છે.
₹3,075માં મળશે વાર્ષિક પાસ: બચશે સમય અને નાણાં
વારંવાર વોલેટ રિચાર્જ કરવાની કંજટમાંથી મુક્તિ આપતો આ વાર્ષિક પાસ ₹3,075ની એક વખતની ફી ચૂકવીને મેળવી શકાય છે.
- માન્યતા: આ પાસ 1 વર્ષ અથવા 200 ટોલ પ્લાઝા ક્રોસિંગ (જે વહેલું પૂરું થાય) સુધી માન્ય રહે છે.
- ક્યાં ઉપયોગી?: હાલમાં દેશભરના આશરે 1,150થી વધુ નેશનલ હાઇવે અને એક્સપ્રેસવે ટોલ પ્લાઝા પર આ સુવિધા કાર્યરત છે.
- કોના માટે?: આ સુવિધા માત્ર તમામ માન્ય FASTag ધરાવતા ખાનગી બિન-વાણિજ્યિક વાહનો (જેમ કે કાર, જીપ અને વાન) માટે જ ઉપલબ્ધ છે.
તેને એક્ટિવેટ કરવા માટે વાહનચાલકોએ NHAIની અધિકૃત 'રાજમાર્ગયાત્રા' (Rajmarg Yatra) એપ પર જઈને એક વખત ચુકવણી કરવાની રહેશે, જેનાથી વાહન પર લાગેલા હાલના FASTag પર જ વાર્ષિક પાસ સક્રિય થઈ જશે.
શું છે 'OneTag' સેવા?
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ તાજેતરમાં 'OneTag' નામની નવી પોર્ટેબિલિટી સેવા પણ શરૂ કરી છે.
- આ સેવાની મદદથી વાહનચાલકો પોતાની બેંક (ઈશ્યુઅર) બદલી શકે છે.
- સૌથી મોટો ફાયદો: કાચ પર ચોંટાડેલું જૂનું FASTag સ્ટીકર કાઢવાની કે નવું ભૌતિક ટેગ ખરીદવાની કોઈ જરૂર રહેશે નહીં.
OneTag સેવા કેવી રીતે વાપરવી?
- 'રાજમાર્ગયાત્રા' એપ ડાઉનલોડ કરી તેમાં લોગ-ઇન કરો.
- તમારો વાહન નોંધણી નંબર (Vehicle Registration Number) દાખલ કરી પાત્રતા ચકાસો.
- વર્તમાન બેંકમાંથી 6-અંકનો મોબાઇલ વેરીફિકેશન કોડ (MVC) મળશે.
- કોડ ઓથોરાઇઝ કર્યા પછી નવી બેંક પસંદ કરી KYC પ્રક્રિયા પૂર્ણ કરો.
હાલમાં દેશમાં 13 કરોડથી વધુ FASTag યુઝર્સ છે અને 98%થી વધુ ડિજિટલ ટોલિંગ પેનિટ્રેશન નોંધાયું છે. આ નવા ફીચર્સથી વાહનચાલકોની મુસાફરી વધુ સરળ, ઝડપી અને આર્થિક બનશે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
