તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
EPFO સભ્યો માટે મોટા સમાચાર: નોકરી છોડવાની તારીખ (Date of Exit) ખોટી હશે તો અટકી જશે PF દાવો અને પેન્શન
હવે પાછલી કંપનીના ધક્કા ખાવાની જરૂર નથી: ઘરે બેઠા ઓનલાઇન પોર્ટલ દ્વારા આ રીતે જાતે જ સુધારો તમારી એક્ઝિટ ડેટ, જાણો સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

નવી દિલ્હી : નોકરી બદલતી વખતે મોટાભાગના કર્મચારીઓ પોતાની નવી સેલરી, ઓફર લેટર અને જોઇનિંગ ડેટ પર પૂરેપૂરું ધ્યાન આપે છે, પરંતુ જૂની કંપનીના EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) રેકોર્ડમાં 'ડેટ ઓફ એક્ઝિટ' (નોકરી છોડવાની તારીખ) ચકાસવાનું ભૂલી જાય છે. જો તમારી જૂની કંપનીએ તમારા PF રેકોર્ડમાં નોકરી છોડવાની તારીખ ખોટી દાખલ કરી હોય અથવા તો અપડેટ જ ન કરી હોય, તો ભવિષ્યમાં PF ટ્રાન્સફર, પૈસા ઉપાડવા કે પેન્શનના દાવામાં મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આ ઉપરાંત, નવી કંપનીના બેકગ્રાઉન્ડ વેરિફિકેશન દરમિયાન પણ તમારા રોજગાર રેકોર્ડ પર સવાલો ઊભા થઈ શકે છે. જોકે, સુખદ બાબત એ છે કે હવે આ ભૂલ સુધારવા માટે જૂની કંપનીના ધક્કા ખાવાની જરૂર નથી, કારણ કે EPFO ના સભ્યો ઓનલાઇન પોર્ટલ પરથી જાતે જ આ વિગત સુધારી શકે છે.
ઓનલાઇન તારીખ અપડેટ કરતા પહેલા આ શરતો જાણવી જરૂરી
EPFO ની ઓનલાઇન સિસ્ટમ દ્વારા જાતે એક્ઝિટ ડેટ અપડેટ કરવા માટે અમુક ચોક્કસ શરતો પૂરી કરવી અનિવાર્ય છે. કર્મચારી નોકરી છોડ્યાના ઓછામાં ઓછા બે મહિના (૬૦ દિવસ) પછી જ પોતે આ તારીખ અપડેટ કરી શકે છે. તમે જે તારીખ દાખલ કરો છો તે તમારી જૂની કંપની દ્વારા જમા કરવામાં આવેલા છેલ્લા PF યોગદાનના મહિનાની જ હોવી જોઈએ. આ સુવિધાનો લાભ લેવા માટે તમારો UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) સક્રિય હોવો જોઈએ અને તે તમારા આધાર કાર્ડ તેમજ આધાર-લિંક્ડ મોબાઇલ નંબર સાથે જોડાયેલો હોવો જરૂરી છે, કારણ કે સમગ્ર સુધારા પ્રક્રિયા ઓટીપી (OTP) વેરિફિકેશન દ્વારા પૂર્ણ થાય છે.
ઘરે બેઠા ઓનલાઇન એક્ઝિટ ડેટ સુધારવાની સરળ રીત:
- સૌપ્રથમ લોગિન કરો: સત્તાવાર EPFO યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર જઈને તમારા UAN અને પાસવર્ડ વડે લોગિન કરો.
- મેનેજ ટેબ પર જાઓ: હોમ પેજ પર ઉપસ્થિત Manage વિભાગમાં જઈને Mark Exit વિકલ્પ પસંદ કરો.
- સેવા ઇતિહાસ ચકાસો: નવી તારીખ ઉમેરતા પહેલા તમારી સેલેરી સ્લિપ, રિલીવિંગ લેટર અને સર્વિસ હિસ્ટ્રી સાથે સાચી તારીખની ખાતરી કરી લો.
- વિગત ભરો અને OTP ચકાસો: નોકરી છોડવાનું યોગ્ય કારણ પસંદ કરો અને છેલ્લા PF કન્ટ્રીબ્યુશનના મહિના મુજબ સાચી ડેટ ઓફ એક્ઝિટ પસંદ કરો. ત્યારબાદ આધાર-લિંક્ડ મોબાઈલ પર આવેલો OTP દાખલ કરીને વિનંતી સબમિટ કરો.
જો કોઈ કારણોસર ઓનલાઇન સિસ્ટમ તમને ડેટ ઓફ એક્ઝિટ બદલવાની મંજૂરી ન આપે અને જૂની કંપની પણ આ બાબતે સહયોગ ન કરતી હોય, તો તમે EPFO ના સત્તાવાર ગ્રીવન્સ પોર્ટલ (EPFiGMS) પર જઈને ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો. સાચી એક્ઝિટ ડેટ માત્ર PF ટ્રાન્સફર માટે જ નહીં, પરંતુ નવી કંપનીમાં તમારી જૂની અને નવી નોકરીની તારીખો વચ્ચે કોઈ વિસંગતતા ન આવે તે માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
