<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

ICICI બેંકના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર: ઈન્ટરનેટ બેંકિંગનું વેબ એડ્રેસ બદલાયું, જાણો તમારા યુઝર ID અને પાસવર્ડનું શું થશે?

RBIના આદેશ બાદ સાયબર છેતરપિંડી અને સાયબર ક્રાઈમ અટકાવવા બેંકે લીધો ઐતિહાસિક નિર્ણય: નવા .bank.in ડોમેન પર પોર્ટલ શિફ્ટ કરાયું

મુંબઈ : દેશની મોટી ખાનગી બેંકોમાંથી એક એવી ICICI બેંકે તેના કરોડો ગ્રાહકો માટે સુરક્ષા સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના કડક દિશાનિર્દેશોનું પાલન કરતા ICICI બેંકે તેની અધિકૃત વેબસાઈટ અને ઈન્ટરનેટ બેંકિંગ પોર્ટલનું યુઆરએલ (URL) બદલી નાખ્યું છે. હવે બેંકનું નવું અધિકૃત સરનામું www.icici.bank.in બની ગયું છે, જ્યારે રિટેલ નેટ બેંકિંગ માટે retailnetbanking.icici.bank.in નો ઉપયોગ કરવાનો રહેશે.

 

ઓનલાઈન બેંકિંગ ફ્રોડ અને ફેક વેબસાઈટ્સના વધતા જતા જોખમ સામે ગ્રાહકોને સુરક્ષા આપવા માટે RBIએ તમામ બેંકોને વિશિષ્ટ .bank.in ડોમેન અપનાવવાનો આદેશ આપ્યો હતો. જો તમે પણ ICICI બેંકના ગ્રાહક છો અને અગાઉ જૂની વેબસાઈટ બુકમાર્ક કરી રાખી હોય, તો તેને તુરંત નવી લિંક સાથે અપડેટ કરી લેવા બેંકે સલાહ આપી છે. જેથી તમે કોઈપણ પ્રકારના ફિશિંગ કે ઓનલાઈન ઠગાઈનો ભોગ બનવાથી બચી શકો.

 

શું તમારું યુઝર ID અને પાસવર્ડ બદલાઈ જશે?

 

આ ફેરફાર વચ્ચે સૌથી મોટો સવાલ એ હતો કે શું ગ્રાહકોએ નવું યુઝર ID કે પાસવર્ડ બનાવવો પડશે? જોકે, બેંકે ગ્રાહકોને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે તમારે કોઈપણ લોગિન વિગતો બદલવાની જરૂર નથી. તમારા જૂના યુઝર ID, કસ્ટમર ID અને પાસવર્ડ જ નવા પોર્ટલ પર યથાવત કામ કરશે અને તમારે ફરીથી રજીસ્ટ્રેશન કરવું પડશે નહીં.

 

આ ઉપરાંત, લોગિન સિસ્ટમ વધુ મજબૂત બનાવવા માટે ઈન્ટરનેટ બેંકિંગ પેજ પર હવે CAPTCHA કોડ પણ ઉમેરવામાં આવ્યો છે. બેંકે એ પણ જાણ કરી છે કે ૧૯ સપ્ટેમ્બરના રોજ મેન્ટેનન્સ કામગીરીને કારણે અમુક કલાકો માટે iMobile એનિમેશન અને એપ સેવાઓ સ્થગિત રહેશે, તેથી ગ્રાહકોએ પોતાના જરૂરી નાણાકીય વ્યવહારો વહેલાસર આયોજિત કરી લેવા.

 

(7:07 PM IST)