News of Saturday, 1st August 2026
રસોઈ ગેસ ધારકો માટે મોટી ખબર: હવે એડ્રેસ પ્રૂફ વગર માત્ર ₹૭૬૨ માં ઘરે લાવો LPG સિલિન્ડર; ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં પણ થયો ₹૧૯૨ નો મોટો ઘટાડો!
ઇન્ડિયન ઓઇલે ગ્રાહકો માટે 'છોટુ' LPG સિલિન્ડરની કિંમતો ઘટાડી; ઘરેલુ ૧૪.૨ કિલોના સિલિન્ડરનો ભાવ ₹૯૪૨ પર યથાવત રહેતાં નાના પરિવારો અને નોકરિયાતો માટે ૫ કિલોનો સિલિન્ડર બન્યો શ્રેષ્ઠ વિકલ્પ

નવી દિલ્હી : દેશમાં મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા અને રસોઈ ગેસ ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ગ્રાહકોની સુવિધા માટે 'છોટુ' (૫ કિલોગ્રામ) LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરીને હવે માત્ર ₹૭૬૨ કરી દેવામાં આવ્યો છે. આ સિલિન્ડરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ખરીદવા માટે કોઈ સ્થાનિક સરનામાના પુરાવા (Address Proof) ની જરૂર નથી. માત્ર એક ઓળખપત્ર દર્શાવીને કોઈપણ કરિયાણાની દુકાન કે પેટ્રોલ પંપ પરથી આ સિલિન્ડર તાત્કાલિક મેળવી શકાય છે.
'છોટુ' સિલિન્ડર: સ્થાનિક પુરાવા વગર મેળવો નવું કનેક્શન
ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ૫ કિલોના આ 'છોટુ' સિલિન્ડરની કિંમત પહેલા ₹૮૦૮.૫૦ હતી, જેમાં ઘટાડો કરીને ₹૭૬૨ કરવામાં આવી છે. જે લોકો બીજા શહેરોમાં ભાડે રહે છે, વિદ્યાર્થીઓ છે કે જેમની પાસે સ્થાનિક એડ્રેસ પ્રૂફ નથી, તેમના માટે આ સિલિન્ડર આશીર્વાદરૂપ સાબિત થશે. ગ્રાહકો ઇન્ડેન ડિસ્ટ્રિબ્યુટરશીપ ઉપરાંત નજીકના સુપરમાર્કેટ કે રિટેલ આઉટલેટ પરથી પણ આ સિલિન્ડર ખરીદી અને રિફિલ કરાવી શકે છે. માત્ર ₹૨૫ ના વધારાના ચાર્જ સાથે હોમ ડિલિવરી પણ ઉપલબ્ધ રહેશે.
કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹૧૯૨ નો મોટો ઘટાડો
૧ ઓગસ્ટથી લાગુ થયેલા નવા દરો મુજબ, હોટેલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹૧૯૨ નો નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹૨,૯૩૦ થી ઘટીને ₹૨,૭૩૮ થઈ ગઈ છે. જ્યારે પટનામાં તેની કિંમત ₹૩,૦૧૮ અને લખનૌમાં ₹૨,૮૬૦.૫૦ થઈ ગઈ છે, જેનાથી વેપારીઓ અને હોટેલ સંચાલકોને મોટી રાહત મળી છે.
ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ યથાવત
બીજી તરફ, સામાન્ય ગૃહિણીઓને ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કોઈ વધારાની રાહત મળી નથી. ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ₹૯૪૨ પ્રતિ સિલિન્ડર પર સ્થિર રાખવામાં આવી છે. જોકે, કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળતી કટોકટી સબસિડીને કારણે રસોઈ ગેસ સિલિન્ડર રૂ. ૩૦૦ ની ખાસ રાહત દરે ઉપલબ્ધ થઈ રહ્યો છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
