તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ટેક ઈન્ડસ્ટ્રીમાં છટણીનો મોટો આંચકો: સ્પોર્ટસવેર દિગ્ગજ એડિડાસે ગુરુગ્રામ ટેક હબમાંથી 50% કર્મચારીઓની કરી છટણી, ઓરેકલે પણ ભારતમાં હજારો નોકરીઓ છીનવી!
2021માં સ્થાપિત ગુરુગ્રામ ટેક્નોલોજી સેન્ટરના 700માંથી અડધા કર્મચારીઓને છૂટા કરવાનો કંપનીએ લીધો 'મુશ્કેલ નિર્ણય'; અસરગ્રસ્ત કર્મચારીઓને સંક્રમણ સહાય આપવાની ખાતરી આપવામાં આવી.

ગુરુગ્રામ : વૈશ્વિક સ્પોર્ટસવેર બ્રાન્ડ એડિડાસ (Adidas) દ્વારા તેના ગુરુગ્રામ સ્થિત ટેક્નોલોજી હબમાંથી અડધાથી વધુ કર્મચારીઓની છટણી કરવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. વર્ષ 2021માં એડિડાસના ઉત્પાદનો માટે શ્રેષ્ઠ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી પ્રતિભાઓને આકર્ષવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલા આ ટેક હબમાં આશરે 700 કર્મચારીઓ કાર્યરત હતા, જેમાંથી લગભગ 50% કર્મચારીઓની ભૂમિકાઓ નાબૂદ કરવામાં આવી છે.
એડિડાસે એક સત્તાવાર નિવેદનમાં આ પગલાને "મુશ્કેલ નિર્ણય" ગણાવતા જણાવ્યું હતું કે, બદલાતી વ્યવસાયિક અને ટેક્નોલોજી જરૂરિયાતો સાથે ઓપરેટિંગ મોડલને સુસંગત બનાવવા, સંગઠનને સરળ બનાવવા અને લાંબા ગાળાની સફળતા માટે આ પુનર્ગઠન જરૂરી હતું. કંપનીએ અસરગ્રસ્ત કર્મચારીઓના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો છે અને તેમને સંભાળ, આદર તથા યોગ્ય સંક્રમણ સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. અહેવાલો મુજબ, પ્રભાવિત કર્મચારીઓમાંથી પ્રથમ જૂથને 15 સપ્ટેમ્બરે એક્ઝિટ લેટર્સ આપી દેવાયા છે, જ્યારે બાજુનું જૂથ 15 ડિસેમ્બર સુધી હેન્ડઓવર અને નોલેજ ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કંપની સાથે રહેશે.
બીજી તરફ, આઇટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) દ્વારા પણ વૈશ્વિક પુનર્ગઠનના ભાગરૂપે છટણીનો નવો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ઓરેકલના ભારતીય સંચાલન વિભાગમાંથી જ આશરે 2,000 થી 2,500 જેટલા કર્મચારીઓને ઇમેઇલ મોકલીને છૂટા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ભારતની ટેક ઈન્ડસ્ટ્રીમાં ભારે અસુરક્ષા અને ચિંતાનો માહોલ સર્જાયો છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
