તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
દિલ્હી એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ચૂક : ઇમિગ્રેશન વગર જ ૩ ઇટાલિયન નાગરિકો મ્યુનિક પહોંચી ગયા!
એર ઇન્ડિયાના SOP ઉલ્લંઘન બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય લાલઘૂમ: ૭ દિવસમાં કારણદર્શક નોટિસનો જવાબ મંગાયો

નવી દિલ્હી:દેશની રાજધાની દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા અને પેસેન્જર હેન્ડલિંગમાં એક અત્યંત ગંભીર બેદરકારી સામે આવી છે. ત્રણ ઇટાલિયન નાગરિકો કોઈપણ પ્રકારનું ફરજિયાત ઇમિગ્રેશન ક્લિયરન્સ કરાવ્યા વિના જ દિલ્હીથી મ્યુનિક જતી ફ્લાઇટમાં સવાર થઈને રવાના થઈ ગયા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારે કડક વલણ અપનાવી એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ ફટકારી સાત દિવસમાં સત્તાવાર જવાબ તલબ કર્યો છે.
આ ઘટના ૪ સપ્ટેમ્બરના રોજ બની હતી. ત્રણેય ઇટાલિયન મુસાફરો એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-1115) દ્વારા રાત્રે ૧૨:૫૦ વાગ્યે અમૃતસરથી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ માત્ર એક જ કલાકની અંદર, એટલે કે રાત્રે ૧:૪૫ વાગ્યે તેઓ લુફ્થાન્સાની ફ્લાઇટ (LH-763) મારફતે મ્યુનિક જવા રવાના થઈ ગયા હતા. નિયમ મુજબ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડતા પહેલાં દિલ્હીમાં તેમનું ઇમિગ્રેશન ક્લિયરન્સ થવું અનિવાર્ય હતું, જે થયું જ નહોતું.
બોર્ડિંગ પાસની ગડબડ: અમૃતસર ખાતે આ મુસાફરોને એર ઇન્ડિયા દ્વારા ડોમેસ્ટિક મુસાફરી માટે 'D' કેટેગરીના બોર્ડિંગ પાસ જારી કરાયા હતા, સાથે જ આગળની લુફ્થાન્સા ફ્લાઇટના બોર્ડિંગ પાસ પણ આપી દેવાયા હતા.
રોંગ રૂટિંગ: દિલ્હી ઉતર્યા બાદ તેમને ઇમિગ્રેશન તરફ મોકલવાના બદલે ગેટ નંબર ૩૯ થી સીધા 'આંતરરાષ્ટ્રીય-થી-આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર એરિયા' તરફ નિર્દેશિત કરી દેવાયા હતા.
SOPનું ખાનગીકરણ: એર ઇન્ડિયાના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ માત્ર 'I' (ઇન્ટરનેશનલ) બોર્ડિંગ પાસ ધરાવતા મુસાફરોને જ ટ્રાન્સફર એરિયામાં પ્રવેશ મળે છે. મંત્રાલયે આ કથિત ૫ જોગવાઈઓના ઉલ્લંઘન બદલ કંપનીને જવાબદાર ગણાવી છે.
આ સમગ્ર આંતરરાષ્ટ્રીય સુરક્ષા ખામીનો ખુલાસો પાછળથી કરવામાં આવેલા મેન્યુઅલ રેકોર્ડ સમાધાન દરમિયાન થયો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયા તેમજ ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી SATS સ્ટાફની ભૂમિકા અંગે સ્પષ્ટતા માંગી છે. જો એર ઇન્ડિયા સાત દિવસમાં સંતોષકારક જવાબ આપવામાં નિષ્ફળ રહેશે, તો એવિએશન રેગ્યુલેટર દ્વારા વહીવટી અને કડક નિયમનકારી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
