તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
ભારતીય ટેક સેક્ટરમાં ૧.૨૩ લાખ નોકરીઓ સાથે મોટો ઉછાળો: અનુભવીઓ માટે સુવર્ણકાળ : પરંતુ ફ્રેશર્સ માટે સંઘર્ષ યથાવત
Xpheno ના રિપોર્ટ અનુસાર ઓક્ટોબરમાં ટેક જોબ્સ ૧૮ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી : ૧ લાખથી વધુ નોકરીઓમાં 'વર્ક ફ્રોમ ઓફિસ' ફરજિયાત અને ટાયર-૨, ટાયર-૩ શહેરોમાં ૬૭% નો રેકોર્ડ ગ્રોથ

બેંગલુરુ: ભારતીય ટેક્નોલોજી ક્ષેત્રે લાંબા સમયની સુસ્તી બાદ આખરે એક મોટી અને આશાસ્પદ વાપસી કરી છે. સ્ટાફિંગ ફર્મ Xpheno ના "એક્ટિવ ટેક જોબ્સ આઉટલુક" અનુસાર, ઓક્ટોબરમાં દેશમાં સક્રિય ટેક નોકરીઓની સંખ્યા ૧.૨૩ લાખને વટાવી ગઈ છે, જે છેલ્લા ૧૮ મહિનાનું સૌથી ઉચ્ચતમ સ્તર છે. આ આંકડો ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં ૧૭% નો મજબૂત વધારો દર્શાવે છે. જોકે, આ આંકડા જેટલા ચમકદાર દેખાય છે, તેટલી સ્થિતિ ફ્રેશર્સ માટે સરળ નથી. આ બજારમાં અનુભવી વ્યાવસાયિકોની ભારે માંગ જોવા મળી રહી છે, જ્યારે નવી કોલેજ પાસઆઉટ થયેલા યુવાનો માટે હજુ પણ તકો મર્યાદિત છે.
બજારમાં ઉપલબ્ધ કુલ નોકરીઓમાંથી ૫૫% એટલે કે આશરે ૬૮,૦૦૦ જગ્યાઓ માત્ર મિડ-સિનિયર અને અનુભવી વ્યાવસાયિકો માટે જ અનામત જેવી છે. બીજી તરફ, ફ્રેશર્સ માટેની એન્ટ્રી-લેવલની નોકરીઓ ઘટીને માત્ર ૧૫,૦૦૦ પર આવી ગઈ છે, જેમાં સપ્ટેમ્બરની સરખામણીમાં ૬% નો ઘટાડો થયો છે. IT કંપનીઓ હવે માત્ર સામાન્ય ડિગ્રીના આધારે ભરતી કરવાને બદલે AI એન્જિનિયરિંગ, ડેટા એનાલિટિક્સ અને ટેકનિકલ લીડરશિપ જેવી વિશિષ્ટ કુશળતા ધરાવતા ઉમેદવારોને જ પસંદ કરી રહી છે. આ સિવાય IT સેવા ક્ષેત્રે ૬૬,૦૦૦ નોકરીઓ સાથે સુધારાની આગેવાની લીધી છે, જેમાં વાર્ષિક ધોરણે ૫૭% નો મોટો ઉછાળો આવ્યો છે.
આ રિકવરી સાથે ટેક વર્કકલ્ચરમાં પણ એક યુગનો અંત આવ્યો છે - 'વર્ક ફ્રોમ હોમ' હવે ભૂતકાળ બની રહ્યું છે. કુલ નોકરીઓમાંથી ૮૧% (૧,૦૦,૦૦૦ નોકરીઓ) સંપૂર્ણપણે 'વર્ક ફ્રોમ ઓફિસ' આધારિત છે, જ્યારે રિમોટ અને હાઇબ્રિડ કામમાં મોટો ઘટાડો નોંધાયો છે. ભૌગોલિક રીતે, ૩૧,૦૦૦ નોકરીઓ સાથે બેંગલુરુ હજુ પણ ટેક ક્ષેત્રનું સિંહાસન સાચવીને બેઠું છે, પરંતુ સૌથી મોટો ધડાકો નાના શહેરોએ કર્યો છે. ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં સક્રિય ટેક નોકરીઓની સંખ્યા ૪૦,૦૦૦ સુધી પહોંચી ગઈ છે, જે વાર્ષિક ધોરણે ૬૭% નો રેકોર્ડતોડ વધારો દર્શાવે છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
