<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

તેહરાનમાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરનું મોટું અપમાન: ઈરાની જનરલે વાત સાંભળવાનો કર્યો ઈનકાર : ખાલી હાથે પરત ફર્યા

અમેરિકા સાથે શાંતિ કરાર અને સાઉદી અરેબિયા પર હુતી હુમલા રોકવાના પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો : સુરક્ષા વડા મોહસેન રેઝાઈએ તિરસ્કાર સાથે યુરેનિયમ નિકાસ કરવાનો પણ સ્પષ્ટ ઇનકાર કર્યો

તેહરાન :  પાકિસ્તાનના ટોચના સૈન્ય નેતૃત્વ માટે તેહરાનની ધરતી પર અત્યંત અપમાનજનક સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ (સેના પ્રમુખ) અસીમ મુનીરની ઈરાન મુલાકાત સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે અને તેમને ત્યાં ભારે અનાદરનો સામનો કરવો પડ્યો છે. અસીમ મુનીર અમેરિકા સાથે શાંતિ કરાર કરવા અને સાઉદી અરેબિયા વિરુદ્ધ યમનના હુતી બળવાખોરો દ્વારા કરવામાં આવતા હુમલાઓને અટકાવવા માટે ખાસ ઈરાન પહોંચ્યા હતા. જો કે, ઈરાનના શીર્ષ સુરક્ષા અધિકારીઓએ તેમની વાત સાંભળવાનું તો દૂર રહ્યું, પરંતુ સાર્વજનિક રૂપે તેમની ઉપેક્ષા પણ કરી હતી.

વાયરલ થઈ રહેલા એક વીડિયો અનુસાર, તેહરાનમાં મુલાકાત દરમિયાન અસીમ મુનીરે ઈરાનના સુરક્ષા વડા મોહસેન રેઝાઈને ઉષ્માભેર આવકારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રેઝાઈએ તેમની સામે તિરસ્કારભરી નજરે જોઈને વાતચીત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. મોહસેન રેઝાઈએ પાકિસ્તાની પ્રસ્તાવને ફગાવતા કડક શબ્દોમાં જણાવ્યું હતું કે તેમનો દેશ એક ગ્રામ પણ યુરેનિયમની નિકાસ કરશે નહીં અને જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ અમેરિકા સાથે કોઈ ચર્ચા નહીં કરે. આ સાથે જ, ઈરાન દ્વારા સમર્થિત હુતી બળવાખોરોના સાઉદી અરેબિયા પરના હુમલાઓ રોકવાની પાકિસ્તાનની વિનંતીને પણ ઈરાને સદંતર અવગણી દીધી છે.

આ અસફળ મુલાકાતના કારણે પાકિસ્તાનની મુત્સદ્દીગીરીને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાન યમન યુદ્ધમાં પ્રત્યક્ષ સામેલ થયા વિના સાઉદી અરેબિયાને સુરક્ષા પૂરી પાડવા માંગતું હતું, પરંતુ ઈરાન સાથેના તેના સંબંધોમાં તણાવ વધુ વકર્યો છે. ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈપણ પ્રકારનું સમાધાન કરવાનો ઇનકાર કરી દીધો છે, જેના કારણે અસીમ મુનીર કોઈપણ પરિણામ કે કરાર વિના જ ખાલી હાથે પાકિસ્તાન પરત ફરવા મજબૂર બન્યા છે.

(9:55 PM IST)