તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
જમ્મુમાં NCB ની કસ્ટડીમાંથી મોટો હેરોઈન તસ્કર ભાગી છૂટ્યો: સુરક્ષા એજન્સીઓમાં દોડધામ, સમગ્ર વિસ્તારમાં હાઈ-એલર્ટ અને સઘન નાકાબંધી!
સાંબામાંથી ૫૨૨ ગ્રામ હેરોઈન સાથે ઝડપાયેલો આકિબ બશીર નારવાલ ખાતેથી ફરાર; પાકિસ્તાન અને પંજાબથી ચાલતા ડ્રગ રેકેટનો પર્દાફાશ કરનાર NCB ના સુરક્ષા તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલો

જમ્મુ : જમ્મુના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની કસ્ટડીમાંથી એક શંકાસ્પદ ડ્રગ તસ્કર નારવાલ વિસ્તારમાંથી રહસ્યમય રીતે ભાગી છૂટતાં સુરક્ષા તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ ઘટેલી આ ચોંકાવનારી ઘટના બાદ જમ્મુ અને આસપાસના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે હાઈ-એલર્ટ જાહેર કરીને સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ફરાર થયેલા આરોપીની ઓળખ પુલવામા જિલ્લાના કાકાપોરિયાના રહેવાસી આકિબ બશીર તરીકે થઈ છે. ૩ સપ્ટેમ્બરના રોજ સાંબા જિલ્લામાં એક બસમાંથી ૫૨૨ ગ્રામ હેરોઈન મળી આવ્યા બાદ NCB એ તેની ધરપકડ કરી હતી. આકિબની ધરપકડ જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સ ઘુસાડવા માટે પાકિસ્તાન (ઉરી સેક્ટર) અને પંજાબથી ચાલતા બે મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં મહત્વની કડી સાબિત થઈ રહી હતી. NCB એ છેલ્લા એક મહિનામાં ૬.૯૨૦ કિલો હેરોઈન જપ્ત કરીને ૬ તસ્કરોની ધરપકડ કરી હતી.
પરંતુ અતિ સંવેદનશીલ ગણાતી NCB કસ્ટડીમાંથી જ મુખ્ય શંકાસ્પદ આરોપી ભાગી જતાં અધિકારીઓ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે. પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ જમ્મુના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર વાહન ચેકિંગ સઘન બનાવી દીધું છે. આરોપી કઈ રીતે ભાગવામાં સફળ રહ્યો તેની ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
