News of Thursday, 26th November 2026
બ્રેક્ઝિટ બાદ યુવાનો માટે મોટી ખુશખબર: યુકે અને યુરોપિયન યુનિયન વચ્ચે 3 વર્ષની ‘યુથ મોબિલિટી સ્કીમ’ પર સહમતિ, દર વર્ષે 2 લાખ યુવાનોને મળશે તક
18 થી 31 વર્ષની વયના યુવાનો 3 વર્ષ સુધી રહી, કામ કરી કે અભ્યાસ કરી શકશે; બંને પક્ષો માટે વાર્ષિક 1-1 લાખ જગ્યાઓ ફાળવાશે, જાન્યુઆરી 2030થી અમલ થવાની શક્યતા

લંડન, તા. ૨૬: બ્રેક્ઝિટ (Brexit) બાદ યુકે અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે યુવાનોની અવરજવર અને રોજગારને લઈને જે અવરોધો ઊભા થયા હતા, તેમાં હવે મોટી રાહત મળવા જઈ રહી છે. યુનાઇટેડ કિંગડમ અને યુરોપિયન યુનિયને 18 થી 31 વર્ષની વયના યુવાનો માટે ત્રણ વર્ષની 'યુથ એક્સપિરિયન્સ સ્કીમ' (યુથ મોબિલિટી સ્કીમ) અંગે વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ યોજના હેઠળ દર વર્ષે યુરોપિયન યુનિયનના 1,00,000 અને યુકેના 1,00,000 નાગરિકોને એકબીજાના પ્રદેશોમાં રહીને કામ કરવાની, અભ્યાસ કરવાની, સ્વયંસેવક બનવાની કે ફરવાની સુવર્ણ તક મળશે.
આ કરાર મુજબ, અરજદારોની ઉંમર વિઝા શરૂ થાય ત્યારે 18 થી 31 વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય રહેશે. પસંદગી પામેલા સહભાગીઓને શરૂઆતમાં બે વર્ષ માટે વિઝા અથવા રેસિડેન્સ પરમિટ આપવામાં આવશે, જેને ત્રીજા વર્ષ સુધી લંબાવી શકાશે. અપેક્ષા છે કે આ ઐતિહાસિક યોજના હેઠળ પ્રથમ સહભાગીઓ જાન્યુઆરી 2030 સુધીમાં મુસાફરી શરૂ કરી શકશે. યુકેના નાગરિકો EUના કોઈ એક સભ્ય દેશમાં અરજી કર્યા બાદ ત્રણ વર્ષમાં વધુમાં વધુ ત્રણ સભ્ય દેશોમાં રહી શકશે, પરંતુ એક દેશમાંથી બીજા દેશમાં જતા પહેલા તેમણે ઓછામાં ઓછા 12 મહિના સુધી તે દેશમાં રહેવું ફરજિયાત રહેશે.
પરંપરાગત વિઝાથી વિપરીત, આ યોજના કોઈ એક ચોક્કસ શરત સાથે બંધાયેલી નથી. યુવાનો પોતાની પસંદગી મુજબ કામ, અભ્યાસ, 'ઓ પેર' (પરિવાર સાથે રહીને બાળકોની સંભાળ) અથવા મુસાફરી કરી શકશે. જોકે, અરજદારોએ પોતાની પાસે પૂરતું ભંડોળ હોવાનું સાબિત કરવું પડશે, ફી ચૂકવવી પડશે અને આરોગ્ય વીમાની શરતો પૂરી કરવી પડશે—જેમ કે યુકે જતા EU નાગરિકોએ હેલ્થ સરચાર્જમાં 75 ટકા ડિસ્કાઉન્ટ સાથે ચાર્જ ચૂકવવો પડશે. આ યોજના હેઠળ સહભાગીઓને સામાજિક લાભો નહીં મળે અને તેઓ આશ્રિતોને સાથે લાવી શકશે નહીં.
બ્રેક્ઝિટ થયા બાદ બ્રિટિશ યુવાનોએ EUમાં રહેવા અને કામ કરવાનો મુક્ત અધિકાર ગુમાવ્યો હતો, જેના કારણે તેમને 180 દિવસમાં માત્ર 90 દિવસ સુધી જ વિઝા-મુક્ત પ્રવાસની છૂટ હતી. 2025ની સમિટમાં બંને પક્ષોએ આ સંતુલિત યોજના પર કામ કરવા સંમતિ આપી હતી, અને હવે વાટાઘાટો પૂર્ણ થતાં યુવાનો માટે આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવાના નવા દ્વાર ખુલ્યા છે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
