<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

HDFC બેંકના ગ્રાહકો માટે મોટા ખુશીના સમાચાર: લોનના વ્યાજ દરોમાં કર્યો ઘટાડો; નવા MCLR દરો જાહેર થતાં EMI ઘટે તેવી શક્યતા

બેંકે તમામ અવધિના MCLR દરોમાં ૫ થી ૧૦ બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો કર્યો; ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૬ થી નવા વ્યાજ દરો અમલી

મુંબઈ, તા.૦૭: ખાનગી ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક HDFC બેંકે પોતાના હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોન ધરાવતા કરોડો ગ્રાહકોને મોટી રાહત આપતાં માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) માં ઘટાડાની જાહેરાત કરી છે. બેંકે વિવિધ મુદતની લોન પરના MCLR માં ૫ થી ૧૦ બેસિસ પોઈન્ટ્સ (૦.૦૫% થી ૦.૧૦%) સુધીનો કાપ મૂક્યો છે. આ નવા દરો ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૬ થી સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી જે ગ્રાહકોની લોન સંકળાયેલી છે, તેમના માસિક હપ્તા (EMI) માં ઘટાડો જોવા મળી શકે છે.

 

આ ફેરફાર બાદ HDFC બેંકના નવા MCLR દરો હવે ૭.૯૦ ટકાથી વધીને ૮.૬૦ ટકાની રેન્જમાં આવી ગયા છે, જે અગાઉ ૮.૦૦ ટકાથી ૮.૬૫ ટકા વચ્ચે હતા. વિગતવાર જોઈએ તો, ઓવરનાઈટ અને ૧ મહિનાનો MCLR દર ૮.૦૦ ટકાથી ઘટીને ૭.૯૦ ટકા થઈ ગયો છે. ૩ મહિના માટેનો દર ૮.૧૫ ટકાથી ઘટીને ૮.૦૫ ટકા, જ્યારે ૬ મહિનાનો દર ૮.૩૦ ટકાથી ઘટીને ૮.૨૫ ટકા કરાયો છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ૧ વર્ષનો MCLR હવે ૮.૪૦ ટકાને બદલે ૮.૩૫ ટકા થયો છે. આ સિવાય ૨ વર્ષના દર ૮.૫૫ ટકાથી ઘટીને ૮.૪૫ ટકા અને ૩ વર્ષનો દર ૮.૬૫ ટકાથી ઘટીને ૮.૬૦ ટકા કરવામાં આવ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે MCLR એ એવો લઘુતમ વ્યાજ દર છે જેની નીચે કોઈ પણ બેંક સામાન્ય રીતે પોતાના ગ્રાહકોને ધિરાણ આપી શકતી નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા એપ્રિલ ૨૦૧૬ માં આ વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી. આ દરો ઘટવાથી ગ્રાહકની લોનની રિસેટ તારીખ આવે ત્યારે તેમને ઘટેલા વ્યાજ દરનો સીધો લાભ મળશે. બેંકના બેઝ રેટ હાલ ૮.૭૦ ટકા અને BPLR ૧૭.૨૦ ટકા પર સ્થિર છે, ત્યારે સંશોધિત MCLR ગ્રાહકો માટે આર્થિક રાહત લઈને આવ્યો છે.

 

શું HDFC બેંકના આ પગલા બાદ અન્ય અગ્રણી બેંકો પણ વ્યાજ દરો ઘટાડીને ગ્રાહકોને રાહત આપશે?

 

(4:33 PM IST)