<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

મોટી ખુશખબરઃ આયુષ્‍માન કાર્ડ માટે હવે ઓફિસે જવાના ધક્કા બંધ, વોટ્‍સએપ પર કામ થઈ જશે

કેન્‍દ્ર સરકારે આયુષ્‍માન સારથી નામથી નવું વોટ્‍સએપ ચેટબોટ શરૂ કર્યું છે, જેના દ્વારા લોકો ઘરે બેઠા જ આ યોજના સાથે જોડાયેલી સુવિધાનો લાભ લઈ શકશે

નવી દિલ્‍હી તા.૩૦: આયુષ્‍માન ભારત યોજનાના લાભાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્‍યા છે. હવે આયુષ્‍માન કાર્ડ બનાવવા અથવા તેની સાથે જોડાયેલી બીજી સેવાઓ માટે સરકારી ઓફિસ અને કોલ સેન્‍ટરના ચક્કર લગાવવાની જરૂર નથી. કેન્‍દ્ર સરકારે આયુષ્‍માન સારથી નામથી નવું વોટ્‍સએપ ચેટબોટ શરૂ કર્યું છે, જેના દ્વારા લોકો ઘરે બેઠા જ આ યોજના સાથે જોડાયેલી સુવિધાનો લાભ લઈ શકશે.

કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રી જે.પી. નડ્ડાએ સોમવારે આ નવી સેવાની શરૂઆત કરી છે. સરકારનું કહેવું છે કે આ ચેટબોટ ડાયરેક્‍ટ પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સિસ્‍ટમ સાથે જોડાયેલું છે. જેનાથી લોકોને રિયલ ટાઈમમાં જાણકારી અને સેવા મળી શકશે. આ સુવિધા ૨૪ કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ મળી રહેશે.

વોટ્‍સએપ દ્વારા લોકો પોતાની પાત્રતાની તપાસ કરી શકશે, નવું આયુષ્‍માન કાર્ડ બનાવી શકશે અને જરૂર પડતા તેને ડાઉનલોડ પણ કરી શકશો. આ ઉપરાંત ઈ-કેવાયસી ફરી વાર કરાવવા, આધાર લિક કરાવવા, કાર્ડ લોક અથવા અનલોક કરાવવા જેવી સુવિધાઓ પણ આ પ્‍લેટફોર્મ પરથી મળી જશે.

૭૦ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લોકો માટે આયુષ્‍માન વય વંદના કાર્ડ સાથે જોડાયેલી જાણકારી પણ ચેટબોટ પર મળી જશે. લાભાર્થી પોતાની સારવારનો રેકોર્ડ, વોલેટ બેલેન્‍સ, આજુબાજુના હોસ્‍પિટલોની જાણકારી, ફરિયાદ નોંધાવવી, ફરિયાદની સ્‍થિતિ જાણવા અને જરૂર પડવા પર ફરિયાદ પાછી લેવા જેવી સુવિધાઓનો પણ ઉપયોગ કરી શકશો.

હોસ્‍પિટલમાંથી રજા મળ્‍યા બાદ સેવા સાથે જોડાયેલા ફિડબેક આપવો પણ સરળ થઈ જશે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે લાભાર્થીને વોટ્‍સએપ પર +91 72908 23838 નંબર Hi લખીને મોકલવાનું રહેશે, અથવા સત્તાવાર ક્‍યૂઆર કોડ સ્‍કેન કરવાનો રહેશે. ત્‍યાર બાદ ચેટબોટ તેને તબક્કાવાર રીતે તમામ સેવાઓ ઉપલબ્‍ધ કરાવશે.

આની સાથે સરકારે આરોગ્‍ય સેતુ ૨.૦ પણ લોન્‍ચ કરી છે. કોવિડ-૧૯ દરમિયાન કોન્‍ટેક્‍ટ ટ્રેસિગ માટે ઉપયોગ થનારી આ એપ હવે રાષ્ટ્રીય હેલ્‍થ એપ તરીકે કામ કરશે. તેમાં ઉપયોગકર્તા પોતાના ડિજિટલ હેલ્‍થ રેકોર્ડ સુરક્ષિત રાખી શકશે. આભા આઈડી બનાવી શકશે, ઈ-પ્રિસ્‍ક્રિપ્‍શન જોઈ શકશે અને મેડિકલ દસ્‍તાવેજોનું ડિજિટલ રૂપ જોઈ શકશે. એપ દ્વારા હાર્ટ રેટ, બ્‍લડ શુગર, કેલોરી, ડગલાની સંખ્‍યા જેવી સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત જાણકારી ટ્રેક કરી શકાશે. સરકારનું માનવું છે કે આ બંને ડિજિટલ સેવાઓથી સ્‍વાસ્‍થ્‍ય યોજનાઓનો લાભ લેવો પહેલા કરતા વધારે સરળ, ઝડપી અને પારદર્શી થઈ જશે.

 

(9:49 AM IST)