<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

મોટી વૈશ્વિક હલચલ: અમેરિકાના ટ્રેઝરી વિભાગે ઈરાન સાથે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત ઈરાની તેલ ગેસની નિકાસ - વેચાણ માટે આપેલી છૂટછાટ રદ કરી: આકરા પ્રતિબંધો ફરી લાગુ: વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવોમાં ભારે ઉછાળો

હોર્મુઝની ખાડીમાં ઈરાન દ્વારા ૩ વેપારી જહાજો પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાઓના જવાબમાં અમેરિકાનુ આકરું પગલું: ઈરાનની દાદાગીરી સામે અમેરિકા લાલઘૂમ

વોશિંગ્ટન: અમેરિકાના ટ્રેઝરી વિભાગે ઈરાન સાથેની શાંતિ સમજૂતી હેઠળ તેલ, પેટ્રોકેમિકલ અને ગેસના વેચાણ માટે આપેલી છૂટછાટ તાત્કાલિક અસરથી પાછી ખેંચી લીધી છે. હોર્મુઝની ખાડીમાં ઈરાન દ્વારા સતત વેપારી જહાજોને નિશાન બનાવવામાં આવતા અમેરિકાએ આ આકરો નિર્ણય લીધો છે, જેના પગલે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.

 

આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટા અને ચોંકાવનારા નિર્ણયમાં, અમેરિકાએ ઈરાન પર ફરી એકવાર કડક આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે. અમેરિકન ટ્રેઝરી વિભાગના 'ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ' (ઓએફએસી) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ઈરાન સાથે તાજેતરમાં થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત તેમને તેલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોના વેચાણ માટે જે જનરલ લાયસન્સ (છૂટછાટ) આપવામાં આવ્યું હતું, તે રદ કરવામાં આવ્યું છે. હવે ઈરાન માટે તેલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરીથી લાગુ થઈ ગયો છે.

 

અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ પગલું ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાં આંતરરાષ્ટ્રીય વેપારી જહાજો (ટેન્કરો) પર કરવામાં આવેલા હુમલાઓના જવાબમાં લેવામાં આવ્યું છે. 

 

અહેવાલો અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાન દ્વારા કતારના એક એલએનજી કેરિયર સહિત ઓછામાં ઓછા ત્રણ વેપારી જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકી અધિકારીઓએ આ કૃત્યને 'સંપૂર્ણપણે અસ્વીકાર્ય' ગણાવ્યું છે અને કડક શબ્દોમાં જણાવ્યું છે કે ઈરાનને સમજૂતીના લાભો ત્યારે જ મળશે જ્યારે તેનું વર્તન યોગ્ય હશે.

 

આ અગાઉ, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવાના હેતુથી એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે ઈરાનને ક્રૂડ ઓઇલ વેચવાની મર્યાદિત છૂટ અપાઈ હતી. પરંતુ ઈરાન દ્વારા સમુદ્રી માર્ગો પર હુમલાઓ ચાલુ રાખતા અમેરિકાએ કડક વલણ અપનાવીને આ છૂટછાટ પાછી ખેંચી લીધી છે.

 

ટ્રેઝરી વિભાગના આ નિર્ણયથી વૈશ્વિક તેલ બજારમાં ફરી એકવાર ભારે ઉથલપાથલ મચી ગઈ છે. પ્રતિબંધો પાછા ફરવાના અહેવાલો વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના (ક્રૂડ ઓઇલ) ભાવમાં તાત્કાલિક ઉછાળો જોવા મળ્યો છે. 

 

વિશ્વના તેલ અને ગેસના વેપારનો લગભગ પાંચમો ભાગ હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે, જેને કારણે આ વિસ્તારમાં વધતો તણાવ વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા બજાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. 

 

(9:24 AM IST)