તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
દિવાળી પર્વ નિમિત્તે યુએસ પોસ્ટલ સર્વિસની મોટી ભેટ: ભારતીય કલાકાર સંગીતા ભૂતડાની રંગોળી કળા દર્શાવતી વિશેષ '૨૦૨૬ દિવાળી ફોરએવર સ્ટેમ્પ'નું અનાવરણ
અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને યુએસપીએસના અધિકારીઓની હાજરીમાં વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં અદ્ભુત ટપાલ ટિકિટ રજૂ કરાઈ.

વોશિંગ્ટન, તા.22: અમેરિકાના પોસ્ટલ વિભાગ (USPS) દ્વારા પવિત્ર દિવાળીના તહેવારની ભવ્ય ઉજવણીના ભાગરૂપે એક ખાસ નવી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. આ ટપાલ ટિકિટ પર ટેક્સાસના હ્યુસ્ટન સ્થિત મૂળ ભારતીય કલાકાર સંગીતા ભૂતડા દ્વારા અત્યંત સુંદર અને જટિલ ડિઝાઈન સાથે તૈયાર કરવામાં આવેલી પરંપરાગત ભારતીય રંગોળી કળાને સ્થાન આપવામાં આવ્યું છે.
વોશિંગ્ટન ડીસી સ્થિત ભારતીય દૂતાવાસમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમ દરમિયાન અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા, USPS ના વરિષ્ઠ ઉપપ્રમુખ શિબાની ગંભીર અને કલાકાર સંગીતા ભૂતડાએ સંયુક્ત રીતે આ '૨૦૨૬ દિવાળી ફોરએવર સ્ટેમ્પ' નું સત્તાવાર અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રાજદૂતે ભારતીય સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય મંચ પર ગૌરવ અપાવવા બદલ કલાકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મૂળ ભારતની વતની અને છેલ્લા ત્રણ દાયકાથી હ્યુસ્ટનમાં સ્થાયી થયેલા સંગીતા ભૂતડા લગભગ ૩૦ વર્ષથી રંગોળીની આ પ્રાચીન લોકકળા સાથે જોડાયેલાં છે. ટપાલ ટિકિટ માટે મૂળ આઠ ફૂટના વ્યાસ ધરાવતી રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જેમાં વાદળી, નારંગી, લીલો, લાલ અને સફેદ જેવા તેજસ્વી રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ટિકિટ પર તેની ભાત વધુ આકર્ષક રીતે ઉપસી આવે.
આ વિશેષ ટપાલ ટિકિટ તૈયાર કરવા માટે યુએસ પોસ્ટલ સર્વિસે એક વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં તેમનો સંપર્ક કર્યો હતો. કલાકારે મોકલેલા એક ડઝન સ્કેચમાંથી ચાર પસંદ કરવામાં આવ્યા હતા અને અંતિમ રંગોળી બનાવવામાં આશરે ૧૦ દિવસનો સમય લાગ્યો હતો. આ ટિકિટની ડિઝાઈન જેનિફર આર્નોલ્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને વિલિયમ જે. ગિકર તેના આર્ટ ડિરેક્ટર રહ્યા છે.
નોંધનીય છે કે, યુએસપીએસ દ્વારા દિવાળીના અવસરે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હોય તેવી આ બીજી ઘટના છે; આ પહેલાં વર્ષ ૨૦૧૬માં પ્રથમ દિવાળી સ્ટેમ્પ જારી કરાઈ હતી. યુએસપીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકાના સમૃદ્ધ અને બહુઆયામી સાંસ્કૃતિક વારસા તથા વિવિધતાને સન્માન આપવાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય પરંપરા અને સૌભાગ્યનું પ્રતીક મનાતી રંગોળીને અમેરિકાની ટપાલ ટિકિટ પર સ્થાન મળતાં વિશ્વભરમાં વસતા ભારતીય સમુદાયમાં ભારે આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
