તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણકાર્યમાં મોટું ગાબડું: અંકલેશ્વર નજીક બ્રિજમાં 8 ફૂટનો ખાડો પડતા તંત્રની પોલ ખુલી, હજારો મુસાફરોના જીવ જોખમમાં
દેશના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટની ગુણવત્તા પર અનેક સવાલો: કરોડોના ખર્ચે બનેલા એક્સપ્રેસ-વે પર વાહનચાલકોની સુરક્ષા રામભરોસે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની લાપરવાહી સામે ઉગ્ર રોષ

અંકલેશ્વર:વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક મનાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણકાર્યમાં ભ્રષ્ટાચારની ગંભીર પોલ ખુલી જવા પામી છે. અંકલેશ્વર નજીક આવેલા આ એક્સપ્રેસ-વેના બ્રિજ પર અચાનક 8 ફૂટનું વિશાળ ગાબડું પડતા વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ માર્ગની મજબૂતી પર હવે અનેક પ્રશ્નાર્થ ચિન્હો લાગી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, આ ઘટનાને પગલે એક્સપ્રેસ-વેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જે એક્સપ્રેસ-વે પર વાહનોને ફૂલ સ્પીડમાં દોડાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, ત્યાં બ્રિજમાં આવું મોટું ગાબડું પડવું એ સીધી રીતે જ નિર્માણકાર્યમાં કરવામાં આવેલી હલકી કક્ષાની સામગ્રી અને ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે. આ ગાબડું એટલું મોટું છે કે જો કોઈ મોટું વાહન આ સ્થળેથી પસાર થયું હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ હોત અને જાનહાનિ પણ થઈ શકી હોત.
આ મામલે સ્થાનિકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે, પ્રોજેક્ટ પાછળ ખર્ચવામાં આવેલા કરોડો રૂપિયાના ફંડમાં મોટો ગોટાળો થયો છે અને કોન્ટ્રાક્ટરોએ સસ્તા મટીરિયલનો ઉપયોગ કરીને તંત્રની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે. એક્સપ્રેસ-વે જેવી મહત્વની પ્રોજેક્ટમાં આવી બેદરકારી કોઈપણ સંજોગોમાં માફ કરી શકાય તેવી નથી.
ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, જો થોડા સમયમાં જ બ્રિજની આવી દશા થઈ જાય છે, તો આવનારા સમયમાં આ માર્ગ પર મુસાફરી કરવી કેટલી સુરક્ષિત રહેશે? હાલ તો આ ઘટનાને પગલે તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે અને જવાબદાર એજન્સીઓ તથા અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. શું આ મામલે તપાસ થશે કે પછી ભ્રષ્ટાચારની આ ફાઈલ પણ દબાવી દેવામાં આવશે, તે જોવું રહ્યું.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
