<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

મેડિકલ સાધનોમાં ભાવબાંધણા અને માર્જિનનો મોટો ખેલ: ₹11 ના IV સેટની MRP ₹325! FDA કમિશનર તુકારામ મુંઢેએ ઉઠાવ્યા ગંભીર સવાલો

મહારાષ્ટ્ર FDA ના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો; સિરિન્જ અને કેથેટર સહિતના કન્ઝ્યુમરેબલ્સ પર 2800% સુધીનું તોતિંગ માર્જિન વસૂલાતું હોવાનું સામે આવતાં કેન્દ્ર સરકાર સમક્ષ કડક નીતિની માંગ.

મુંબઈ : હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે માત્ર દવાઓ જ નહીં, પરંતુ સારવાર દરમિયાન વપરાતા સર્જિકલ અને મેડિકલ કન્ઝ્યુમરેબલ્સના બિલ પણ ખિસ્સું ખાલી કરી નાખે છે. આ અંધેર કારભાર પર મહારાષ્ટ્ર એફડીએ (FDA) ના 'દબંગ' કમિશનર તુકારામ મુંઢેએ લાલ આંખ કરી છે. મહારાષ્ટ્ર એફડીએ દ્વારા કરવામાં આવેલા વિશેષ સર્વેમાં મેડિકલ સાધનોની મૂળ ખરીદ કિંમત અને તેના પર છપાયેલી મહત્તમ છૂટક કિંમત (MRP) વચ્ચે આકાશ-પાતાળનો તફાવત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે, જેને પગલે મુંઢેએ કેન્દ્ર સરકાર સમક્ષ મેડિકલ પ્રોડક્ટ્સના ભાવ અને ટ્રેડ માર્જિનની સમીક્ષા કરવાની તીવ્ર માંગ કરી છે.

 

સર્વેના અહેવાલ મુજબ, હોસ્પિટલોમાં વ્યાપકપણે વપરાતા IV ઇન્ફ્યુઝન સેટની મૂળ ખરીદી કિંમત માત્ર ₹11.05 હતી, જ્યારે તેની પર MRP રૂ. 325 છાપવામાં આવી હતી. એટલે કે મૂળ કિંમત કરતાં આશરે 2,841 ટકા જેટલો મસમોટો તફાવત નોંધાયો છે. આ જ રીતે 10 ml ની સિરિન્જ જે હોસ્પિટલને માત્ર ₹6.75 માં પડે છે, તેની MRP ₹57.20 દર્શાવાઈ છે. કેથેટર અને કેન્યુલા જેવા અન્ય કન્ઝ્યુમરેબલ્સમાં પણ આવો જ તોતિંગ નફો રળવામાં આવી રહ્યો છે. દર્દીઓ માટે હોસ્પિટલ બિલિંગ સમયે દરેક વસ્તુના બજાર ભાવ કે ખરીદ કિંમત સરખાવવી શક્ય હોતી નથી, જેના લીધે તેઓ મજબૂરીમાં આ ભારેખમ ભાવ ચૂકવવા મજબૂર બને છે.

 

તુકારામ મુંઢેની આ 'સર્જિકલ સ્ટ્રાઈક' બાદ હવે હોસ્પિટલોના બિલિંગ માળખામાં મોટા ફેરફારો થવાની શક્યતા સેવાઈ રહી છે. મુંઢેએ આ તમામ મેડિકલ પ્રોડક્ટ્સને ભાવ નિયંત્રણ હેઠળ લાવવા, ઉત્પાદકથી ડિસ્ટ્રિબ્યુટર સુધીના માર્જિનની મર્યાદા નક્કી કરવા અને ટ્રેડ માર્જિન કેપિંગ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી છે. જો નિયમનકારી મંડળો અને કેન્દ્ર સરકાર દ્વારા આ દિશામાં કડક નિર્ણયો લેવામાં આવશે, તો મોંઘી સારવાર અને હોસ્પિટલોના વિરાટ બિલોથી પીડાતા સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી શકે તેમ છે.

(9:03 PM IST)