News of Tuesday, 27th October 2026
અમેઠીમાં લોકશાહી સાથે મોટો ખેલ! ૨૦૦ જીવિત લોકોના નામ ગાયબ : જ્યારે ૪ ડઝન મૃતકો બૂથ પર સક્રિય
અમેઠીમાં મતદાર યાદીમાં વહીવટી બેદરકારીની ચરમસીમા : દાયકાઓથી મત આપતા ગ્રામજનોએ જાતે ફંડ ભેગુ કરી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા : કોર્ટના ચાબુક બાદ અધિકારીઓમાં દોડધામ

અમેઠી : ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાંથી લોકશાહીને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના મહમૂદપુર ન્યાય પંચાયતમાં વહીવટી તંત્રની ગંભીર લાપરવાહીના કારણે લગભગ ૨૦૦ જેટલા જીવિત ગ્રામજનોના નામ મતદાર યાદીમાંથી રહસ્યમય રીતે ગાયબ કરી દેવામાં આવ્યા છે, તો બીજી બાજુ ૪૮ જેટલા મૃત્યુ પામેલા લોકોના નામ હજુ પણ યાદીમાં જીવંત છે અને તેઓ મતદાન કરવા માટે પાત્ર દર્શાવાયા છે. પવન કુમાર અને અયાઝ ખાન સહિતના ગ્રામજનો કે જેઓ છેલ્લા ૪૦ વર્ષથી નિયમિત મતદાન કરતા આવ્યા છે, તેમને અચાનક મતદાર યાદીમાંથી હાંસિયામાં ધકેલી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
સ્થાનિક તંત્ર અને બીએલઓ (BLO) સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં જ્યારે અધિકારીઓએ આંખ આડા કાન કર્યા, ત્યારે પીડિત ગ્રામજનોએ ન્યાય મેળવવા માટે એક અનન્ય દાખલો બેસાડ્યો. કોઈ મોટા નેતા કે પક્ષની રાહ જોયા વગર ગ્રામજનોએસૌએ સાથે મળીને ફંડ એકત્ર કર્યું અને કાનૂની જંગ લડવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. આ મામલે પવન કુમાર અને અન્ય ૧૩૭ લોકો દ્વારા હાઈકોર્ટમાં રિટ પિટિશન (નંબર ૧૦૮૦૮/૨૦૨૬) દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં કેસ દાખલ થતાં અને સુનાવણી દરમિયાન તંત્રને ભારે ઠપકો મળતા જ રાતોરાત વહીવટી તંત્રની ઊંઘ ઉડી ગઈ છે અને અધિકારીઓ દોડતા થયા છે.
હાઈકોર્ટમાં મામલો પહોંચ્યા બાદ હવે અધિકારીઓ ગામોમાં ઘરે-ઘરે જઈને તપાસના નાટક કરી રહ્યા છે, પરંતુ ગ્રામજનોની વેદના એ છે કે હજુ સુધી તેમના નામ સત્તાવાર રીતે યાદીમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા નથી. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જ્યોતિ સિંહે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કેસ હજુ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને કોર્ટના અંતિમ આદેશ બાદ જ આગળની કાર્યવાહી થશે. જોકે, આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે સામાન્ય પ્રજાએ પોતાના પાયાના લોકશાહી અધિકાર માટે પણ અદાલતના દરવાજા સુધી લડાઈ લડવી પડી રહી છે.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
