<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

ગ્વાલિયરમાં લગ્નના નામે મોટી છેતરપિંડી: અસલી પતિ જ ભાઈ બનીને પત્નીનું કન્યાદાન કરી લાખો રૂપિયા પડાવી રફુચક્કર થઈ ગયો

પાડોશીના કાવતરાનો ભોગ બનેલા યુવકે પત્નીની શંકાસ્પદ વોટ્સએપ ચેટ પકડી પાડતા સાત સાગરીતોની નકલી લગ્ન કરાવતી ગેંગનો ચોંકાવનારો પર્દાફાશ થયો

ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્થિત ઝાંસી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્મી પટકથા જેવી લગ્નની છેતરપિંડીનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. અહીં નાકા ચંદ્રાવદની વિસ્તારમાં રહેતા અને જબલપુરની હોસ્પિટલમાં ઇમરજન્સી ટીમ લીડર તરીકે ફરજ બજાવતા રતન શર્મા નામના યુવકને ગરીબ કન્યાના નામે પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. લગ્ન બાદ જ્યારે યુવકે પત્નીના મોબાઇલમાં શંકાસ્પદ વોટ્સએપ ચેટ જોઈ, ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. તપાસમાં ખુલાસો થયો કે જે વ્યક્તિએ લગ્નમાં ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું, તે જ યુવતીનો અસલી પતિ હતો અને આ આખી ટોળકી નકલી લગ્ન કરાવીને મોટો હાથ મારતી ગેંગ હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર કાવતરાની વિગત એવી છે કે રતનના પાડોશી સોનુ તિવારીએ તેના પરિવારની લગ્નની લાચારીનો ફાયદો ઉઠાવીને મુરેનાના સોનુ ઉર્ફે અજય ચૌહાણ સાથે મુલાકાત કરાવી હતી. સોનુ ચૌહાણે પોતાની પત્ની દીક્ષા ઉર્ફે રાધાને પોતાની ગરીબ દત્તક બહેન ગણાવી રતન સાથે લગ્ન નક્કી કરાવ્યા હતા. ગત 7 મે, 2026ના રોજ પાટણકર સ્ક્વેર પર આવેલી હોટેલમાં અંદાજે ₹7 લાખના ખર્ચે હિન્દુ રીત-રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન સંપન્ન થયા હતા, જેમાં સોનુની માતા અને અન્ય સંબંધીઓએ નકલી સાસરિયાં બનીને કન્યાદાન સહિતની તમામ વિધિઓ પણ પૂર્ણ કરી હતી.
જોકે, લગ્ન બાદ દુલ્હનની સતત ફોન પર ચેટિંગ કરવાની આદતથી રતનને શંકા ગઈ હતી. તેણે રાત્રિના સમયે મોબાઈલ ચેક કરતા માલૂમ પડ્યું કે દીક્ષા અને સોનુ ચૌહાણે વર્ષ 2024માં જ આગ્રાના આર્ય સમાજ મંદિરમાં અસલી લગ્ન કર્યા હતા અને તેઓ માત્ર ઘરેણાં તથા રોકડ રકમ ચોરી ભાગી જવાના ઈરાદે આવ્યા હતા. ભોગ બનનાર પરિવારે તાત્કાલિક દુલ્હનને પકડીને પોલીસના હવાલે કરી હતી. પોલીસે હાલમાં રાધા, તેના અસલી પતિ સોનુ ચૌહાણ અને પાડોશી સહિત કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(3:53 PM IST)