<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ભોપાલમાં નકલી નોટોના મોટા રેકેટનો પર્દાફાશ: પશ્ચિમ બંગાળનો 'ફેક MBBS ડોક્ટર' ઝડપાયો, પાકિસ્તાન અને નેપાળ સુધી જોડાયેલા છે તાર!

૫૦૦ના દરની ૧.૪ લાખની નકલી નોટો સાથે સૈફુલ ઈસ્લામની ધરપકડ; વિદેશી સિમકાર્ડ અને આઈફોન દ્વારા ચલાવતો હતો આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ, ઠગાઈની રીત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી

ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પોલીસે નકલી નોટોના એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરીને સનસનાટી મચાવી દીધી છે. કોહેફિઝા પોલીસે પશ્ચિમ બંગાળના ૨૭ વર્ષીય સૈફુલ ઈસ્લામ નામના શખ્સની ધરપકડ કરી છે, જે પોતાની ઓળખ નકલી 'MBBS ડોક્ટર' તરીકે આપીને લોકો સાથે ઠગાઈ કરતો હતો. 
૧.૪ લાખની નકલી નોટો અને ઠગાઈની અનોખી પદ્ધતિ: પોલીસને આરોપી પાસેથી ૫૦૦ રૂપિયાના દરની ૨૮૦ નકલી નોટો મળી આવી છે, જેની કુલ કિંમત આશરે ૧.૪ લાખ રૂપિયા થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી છેલ્લા ૧૦ દિવસમાં ભોપાલના બજારોમાં ૬૦ હજાર રૂપિયાની નકલી નોટો ઘુસાડી ચૂક્યો છે. તેની ઠગાઈ કરવાની રીત પણ વિચિત્ર હતી; તે લોકો પાસેથી અસલી ૩૦૦ રૂપિયા લઈને બદલામાં ૫૦૦ની નકલી નોટ આપતો હતો, જેથી લોકો લાલચમાં આવીને તેની જાળમાં ફસાઈ જતા હતા. તેણે બંગાળથી માત્ર ૬૦ હજારમાં ૨ લાખની નકલી નોટો ખરીદી હોવાની કબૂલાત કરી છે. 
વિદેશી કનેક્શન અને હાઈટેક નેટવર્ક: આરોપી પાસેથી પોલીસને ‘+૪૪’ સીરીઝનું વિદેશી સિમકાર્ડ અને એક આઈફોન મળી આવ્યો છે. પોલીસને આશંકા છે કે આ ગેંગના તાર નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સુધી ફેલાયેલા હોઈ શકે છે. આરોપી પોતાની ગતિવિધિઓ છુપાવવા માટે માત્ર વોટ્સએપ કોલ દ્વારા જ નેટવર્ક ઓપરેટ કરતો હતો, જેથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ બને. 
પોલીસની ઊંડી તપાસ ચાલુ: હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ પર છે અને તેની સઘન પૂછપરછ ચાલી રહી છે. મધ્યપ્રદેશ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ભોપાલમાં સૈફુલના સ્થાનિક સાથીદારો કોણ છે અને તેણે શહેરના કયા કયા વિસ્તારોમાં આ નકલી નોટો વટાવી છે. આ ખુલાસા બાદ વેપારીઓને પણ સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

(8:23 PM IST)