<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

ભારતમાં બેસી પાકિસ્તાન માટે કામ કરતા 'જેન-ઝેડ' મોડ્યુલનો મોટો પર્દાફાશ: ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા તમિલનાડુથી મકસૂદ અલીની ધરપકડ

'કેપ્ટન એમ નેટવર્ક' નામની સિક્યોર એપ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા જેહાદી વિચારધારા ફેલાવતો હતો: પાયથોન અને કોડિંગ શીખી હેકિંગ ટૂલ્સ વિકસાવવાનું મસમોટું કાવતરું ફ્લોપ

લખનૌ:  ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ને આતંકવાદી નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા સાંપડી છે. અલ-કાયદા ભારતીય ઉપખંડ (AQIS) ની કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત અને ભારતમાં રહીને પાકિસ્તાની હેકર્સના સંપર્કમાં કામ કરતા ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગરના મૂળ વતની મકસૂદ અલીની તમિલનાડુથી અટકાયત કરવામાં આવી છે. મકસૂદ અલી તમિલનાડુમાં સુથારી કામની આડમાં આતંકી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો. અગાઉ આઝમગઢથી ઝડપાયેલા મોહમ્મદ નબીલની સઘન પૂછપરછમાંથી મળેલી ચોક્કસ બાતમીના આધારે એટીએસ દ્વારા આ સફળ કાર્યવાહી કરવામાં આવી છે.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપી મકસૂદ અલી અલ-કાયદાના આતંકવાદી અનવર ઉલ અવલકીની વિચારધારાથી પ્રભાવિત થઈને યુવાનોને જેહાદ માટે ઉશ્કેરી રહ્યો હતો. તે જેહાદી પ્રવૃત્તિઓ માટે ફંડ એકત્ર કરવા અને અત્યાધુનિક શસ્ત્રોની તાલીમ ગોઠવવાની યોજના ઘડી રહ્યો હતો. મકસૂદે ઓનલાઈન માધ્યમથી પાયથોન, જાવા અને કોડિંગ જેવી ભાષાઓ શીખીને હેકિંગનું જ્ઞાન મેળવ્યું હતું અને પાકિસ્તાની હેકર્સ સાથે મળીને સાયબર હેકિંગ ટૂલ્સ વિકસાવવાના પ્રયાસો કરી રહ્યો હતો.

આરોપીએ પોતાની આતંકી પ્રવૃત્તિઓ માટે "CAPTAIN M NETWORK" નામની એક અત્યંત સુરક્ષિત એપ્લિકેશન પણ બનાવી હતી, જેનું સૂત્ર "એક પ્લેટફોર્મ, એક હેતુ: એકતા, યોજના અને કાર્યવાહી" રાખવામાં આવ્યું હતું. આ ગુપ્ત એપ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા નબીલ, મકસૂદ અને અન્ય કટ્ટરપંથી યુવાનો જોડાયેલા હતા. આ ગ્રૂપમાં જેહાદી સાહિત્ય, વિસ્ફોટક અને બોમ્બ બનાવવાની રીતો દર્શાવતા વીડિયો શેર કરવામાં આવતા હતા. એટીએસ દ્વારા આરોપી મકસૂદ અલીને ટ્રાન્ઝિટ રિમાન્ડ હેઠળ તમિલનાડુથી લખનૌ લાવવામાં આવ્યો છે અને કોર્ટમાં રજૂ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 


.

(10:00 PM IST)