<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

પશ્ચિમ બંગાળમાં 'કેશ-કાંડ'નો મોટો ધડાકો: ટીએમસી નેતાના શણના ખેતરમાંથી મળી રોકડ ભરેલી બોરીઓ, સરકારી રાહત સામગ્રીની ચોરીનો પર્દાફાશ

બદુરિયા મ્યુનિસિપાલિટીના ચેરમેન દીપાંકર ભટ્ટાચાર્યની ધરપકડ: ગરીબો માટેની હજારો તાડપત્રી અને લાખોની રોકડ રકમ જપ્ત થતા રાજ્યમાં રાજકીય ભૂકંપ

બદુરિયા (પશ્ચિમ બંગાળ) : પશ્ચિમ બંગાળના બદુરિયામાં એક એવી ઘટના સામે આવી છે જેણે સમગ્ર રાજ્યના રાજકારણને હચમચાવી દીધું છે. ટૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અગ્રણી નેતા અને બદુરિયા મ્યુનિસિપાલિટીના ચેરમેન દીપાંકર ભટ્ટાચાર્ય સાથે જોડાયેલા એક કૌભાંડમાં પોલીસે જ્યારે દરોડા પાડ્યા, ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કથિત રાહત સામગ્રી કૌભાંડની તપાસ દરમિયાન શણના ખેતરમાં દાટેલી રોકડ ભરેલી બોરીઓ મળી આવતા ભ્રષ્ટાચારના મોટા રેકેટનો ભાંડો ફૂટ્યો છે.
સ્થાનિકોની જાગૃતિ અને પુરાવાનો નાશ
આ આખી ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સ્થાનિક રહેવાસીઓએ ટીએમસી કાર્યાલયમાંથી શંકાસ્પદ રીતે માલસામાનનું પરિવહન કરતી વાન જોઈ. લોકોનો આરોપ છે કે પરિસરની બહાર કેટલાક લોકો સત્તાવાર દસ્તાવેજો સળગાવી રહ્યા હતા, જેથી પુરાવાનો નાશ કરી શકાય. આ માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે કાર્યાલય અને નજીકના ફાર્મહાઉસમાંથી સરકાર દ્વારા જારી કરાયેલી અંદાજે 4,000 રાહત તાડપત્રીઓ મળી આવી હતી, જેનો ગરીબો માટે ઉપયોગ થવાને બદલે કથિત રીતે ગેરકાયદે સંગ્રહ કરવામાં આવ્યો હતો.
શણના ખેતરમાંથી નીકળ્યો રોકડનો ખજાનો
પોલીસની તપાસ જેમ જેમ આગળ વધી તેમ કૌભાંડનું કદ મોટું થતું ગયું. દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાનની બાજુમાં આવેલા એક કમ્પ્યુટર તાલીમ કેન્દ્રમાંથી 80 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત ત્યારે સામે આવી જ્યારે પોલીસે નજીકના શણના ખેતરમાં ખોદકામ કર્યું, જ્યાંથી રોકડ ભરેલી અનેક બોરીઓ મળી આવી. ધરપકડથી બચવા માટે ભાગતા ફરેલા ચેરમેન દીપાંકર ભટ્ટાચાર્યને આખરે પોલીસે એક ગુપ્ત સ્થળેથી ઝડપી પાડ્યા હતા.
તપાસ અને રાજકીય વિવાદ
આ કૌભાંડ બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. વિપક્ષી દળોએ આ ઘટનાને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને સમગ્ર મામલાની ઊંડી તપાસની માંગ કરી છે. હાલ પોલીસ દીપાંકર ભટ્ટાચાર્ય વિરુદ્ધ નાણાકીય છેતરપિંડી, પુરાવાનો નાશ અને સરકારી મિલકતના દુરુપયોગના ગંભીર આરોપો હેઠળ કેસ નોંધીને વધુ પૂછપરછ કરી રહી છે. અધિકારીઓ હવે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ ભ્રષ્ટાચારના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે અને આમાં અન્ય કયા વગદાર નેતાઓ કે અધિકારીઓ સામેલ છે.

(8:03 PM IST)