News of Friday, 4th September 2026
તેલંગાણા રાજકારણમાં મોટો ભૂકંપ: પુત્રીએ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની ટીકા કરતા મંત્રી કોંડા સુરેખાની કેબિનેટમાંથી હાકલપટ્ટી નિશ્ચિત?
હાઈકમાન્ડ નારાજ! તેલંગાણા કોંગ્રેસ સરકારમાં આંતરિક વિખવાદ ઉગ્ર બન્યો; મુખ્યમંત્રી વિશે પુત્રી સુસ્મિતા પટેલના વિવાદાસ્પદ નિવેદન બાદ મંત્રી પદ છીનવાઈ જવાની પ્રબળ શક્યતા

હૈદરાબાદ : તેલંગાણાના રાજકારણમાં અને શાસક કોંગ્રેસ પક્ષમાં એકાએક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કોંડા સુરેખાના મંત્રીપદ પર જોખમના વાદળો ઘેરાયા છે. તેમની પુત્રી સુસ્મિતા પટેલે સોશિયલ મીડિયા અને જાહેર મંચ પરથી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની ખુલ્લેઆમ તીખી ટીકા કર્યા બાદ આ વિવાદ સર્જાયો છે. આ ઘટનાક્રમ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ અને મુખ્યમંત્રી અત્યંત નારાજ થયા હોવાના અહેવાલો છે, જેના કારણે કોંડા સુરેખાની કેબિનેટમાંથી હાકલપટ્ટી થવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
મળતી માહિતી મુજબ, મંત્રીની પુત્રી સુસ્મિતા પટેલે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના કામકાજ અને તેમની નીતિઓ સામે ગંભીર સવાલો ઉઠાવતા નિવેદનો આપ્યા હતા. મુખ્યમંત્રી જેવા બંધારણીય અને પક્ષના મોવડી પદ પર બેઠેલા નેતા વિરુદ્ધ પોતાના જ મંત્રીના પરિવારે આ પ્રકારે ખુલ્લો મોરચો માંડતા પક્ષમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ મુદ્દાને હાઈકમાન્ડે ગંભીર શિસ્તભંગ ગણ્યો છે અને પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ સુરેખા વિરુદ્ધ આકરાં પગલાં લેવાના પક્ષમાં છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ટૂંક સમયમાં જ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કે ફેરબદલ કરી શકે છે, જેમાં કોંડા સુરેખાની હટાવવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, સુરેખા અને તેમના સમર્થકો સ્થિતિ થાળે પાડવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ પુત્રીની ટીકાને કારણે ઉભો થયેલો આંતરિક વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. તેલંગાણા કોંગ્રેસમાં સર્જાયેલું આ સત્તાકીય ઘમાસાણ હવે કયું રૂપ લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
