<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

સોના-ચાંદીના બજારમાં મોટો ભુકંપ: માત્ર ૧૪ મિનિટમાં રોકાણકારોના ₹૬૫.૮ લાખ કરોડ ધોવાયા, ચાંદી હજુ ૧૫% ગગડવાની શક્યતા

યુએસ ફુગાવાના આંકડા અને ચીનથી ઔદ્યોગિક માંગ ઘટતા બુલિયન માર્કેટમાં તીવ્ર વેચવાલી: ભારતમાં પ્રતિ કિલો ચાંદી ₹૩૪,૦૦૦ સુધી સસ્તી થઈ શકે છે

રાજકોટ, તા. ૧૩: આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકી ફુગાવાના આંકડા જાહેર થતાં જ વૈશ્વિક બુલિયન બજારમાં અચાનક ભારે વેચવાલીનું વાવાઝોડું ત્રાટક્યું હતું. માત્ર ૧૪ મિનિટના ગાળામાં જ સોના અને ચાંદીના કુલ બજાર મૂલ્યમાંથી આશરે ૭૦૦ બિલિયન ડોલર એટલે કે ₹૬૫.૮ લાખ કરોડનું વિશાળ ધોવાણ થઈ ગયું હતું. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં અપેક્ષિત કાપ મૂકવાને બદલે દર વધારવાની શક્યતા ઊભી થતાં રોકાણકારોએ ધડાધડ સોના-ચાંદીમાંથી નાણાં પાછા ખેંચી લીધા હતા, જેના કારણે વૈશ્વિક અને ભારતીય બજારોમાં ધાતુઓના ભાવ તળિયે બેસી ગયા છે.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના અહેવાલો મુજબ, ચાંદીના ભાવમાં હજુ પણ વધુ ગાબડું પડી શકે છે. ભારતીય બજારમાં વર્તમાન સ્તરથી ચાંદીના ભાવમાં ૧૫ ટકાથી વધુનો ઘટાડો થવાની સંભાવના છે. જો આમ થશે તો ભારતમાં પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આશરે ₹૩૪,૦૦૦ સુધીનો ઘટાડો નોંધાશે, જેનાથી એક કિલો ચાંદીનો ભાવ ₹૨.૨૦ લાખથી ઘટીને ₹૧.૮૬ લાખની આસપાસ આવી જશે. આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં પણ ચાંદી ૬.૨ ટકા ગગડીને ૫૫.૮૨ ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ રહી હતી.

કિંમતોમાં આવેલા આ મોટા ધડાકા પાછળનું મુખ્ય કારણ અમેરિકામાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવો વધીને ૩.૭ ટકા થવાનું છે. બજારને આશા હતી કે ફુગાવામાં રાહત મળશે, પરંતુ આંકડા વિપરીત આવતા અમેરિકી ડોલર અને ૧૦ વર્ષના ટ્રેઝરી બોન્ડની ઉપજ વધીને પ ટકાને પાર કરી ૫.૨ ટકા સુધી પહોંચી ગઈ હતી. સરકારી બોન્ડ પર ઊંચું વ્યાજ મળવા લાગતા રોકાણકારોએ વ્યાજ ન આપતી ચાંદી અને સોનામાંથી રોકાણ પાછું ખેંચીને સલામત બોન્ડ માર્કેટ તરફ વાળ્યું હતું.

બીજી તરફ, ચાંદીના સૌથી મોટા વપરાશકાર એવા ચીનથી પણ નકારાત્મક સંકેતો મળી રહ્યા છે. ચીનનું સોલર પેનલ ઉત્પાદન ક્ષેત્ર હાલ ભારે આર્થિક સંકટ અને ઓવર-કેપેસિટીનો સામનો કરી રહ્યું છે, જેના કારણે આગામી સમય માટે મોટો કર્મચારી કાપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, સોલર પેનલ નિર્માતાઓ ચાંદીના બદલે કોપર જેવી સસ્તી ધાતુઓનો ઉપયોગ કરવાની ટેકનોલોજી અપનાવી રહ્યા છે. આ પરિબળોને લીધે ૨૦૨૬માં ઔદ્યોગિક ક્ષેત્રે ચાંદીની વૈશ્વિક માંગમાં ૨ ટકા જેટલો ઘટાડો થવાનો અંદાજ મૂકાયો છે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષના પ્રારંભમાં ચાંદી ૧૨૦ ડોલર પ્રતિ ઔંસની ઐતિહાસિક ઉચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી, પરંતુ તે તેજી માત્ર અટકળો અને રોકાણકારોની ભારે ખરીદી પર આધારિત હતી. નિષ્ણાતો આ સ્થિતિની સરખામણી ૧૯૭૯-૮૦ના તેજીના દોર સાથે કરી રહ્યા છે. ભૂતકાળના બજાર ચક્ર અને લાંબા ગાળાના ગ્રાફ મુજબ, રેકોર્ડ ઉછાળા બાદ હવે બજાર 'મીન રિવર્ઝન' એટલે કે પોતાની લાંબા ગાળાની સરેરાશ કિંમત તરફ પરત ફરી રહ્યું હોવાથી આ ઘટાડો જોવા મળી રહ્યો છે.

(3:29 PM IST)