<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

બ્રિટનના રાજકારણમાં મોટો ભૂકંપ: વડાપ્રધાન કીથ સ્ટારમર આપશે રાજીનામું! દેશના આગામી પીએમ બનવાની રેસમાં આ દિગ્ગજો છે મોખરે

૨ વર્ષમાં જ જનતા અને સાંસદોનો વિશ્વાસ ગુમાવ્યા બાદ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાલી કરશે સ્ટારમર: 'કિંગ ઓફ ધ નોર્થ' તરીકે જાણીતા એન્ડી બર્નહામ રેસમાં સૌથી આગળ, સપ્ટેમ્બર સુધીમાં યુકેને મળશે નવા વડાપ્રધાન

લંડન: બ્રિટનના રાજકીય ક્ષેત્રે આજના દિવસે એક બહુ મોટો ધડાકો થયો છે. ઐતિહાસિક બહુમતી સાથે સત્તા પર આવેલા વડાપ્રધાન કીથ સ્ટારમરે (Keir Starmer) આખરે પોતાની જ લેબર પાર્ટીના સાંસદો અને મંત્રીઓના પ્રચંડ દબાણ સામે ઝૂકીને રાજીનામું આપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. માત્ર બે વર્ષના ટૂંકા શાસનકાળમાં લોકપ્રિયતાના ગ્રાફમાં ભારે ઘટાડો અને પક્ષમાં આંતરિક અસંતોષને કારણે સ્ટારમરે પદ છોડવું પડ્યું છે. તેઓ આગામી સપ્ટેમ્બર મહિનામાં નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી વડાપ્રધાન પદ પર કાર્યરત રહેશે. આ જાહેરાત સાથે જ બ્રિટનના આગામી વડાપ્રધાન કોણ બનશે તે માટેની હાઈ-પ્રોફાઈલ રેસ શરૂ થઈ ગઈ છે.

આ રેસમાં સૌથી મોટું અને મજબૂત નામ 'કિંગ ઓફ ધ નોર્થ' (King of the North) તરીકે જાણીતા અને ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર એન્ડી બર્નહામનું (Andy Burnham) સામે આવ્યું છે. બર્નહામે તાજેતરમાં જ યોજાયેલી સંસદની પેટાચૂંટણીમાં ૫૫% મતો સાથે રેકોર્ડતોડ વિજય મેળવીને લંડનના રાજકારણમાં ધમાકેદાર પુનરાગમન કર્યું છે. તેમની આ જીતે જ કીથ સ્ટારમરની વિદાયનો માર્ગ નક્કી કરી દીધો હતો. બર્નહામ લેબર પાર્ટીના સામાન્ય કાર્યકરો અને જનતામાં અત્યંત લોકપ્રિય છે અને તેઓ જીન્સ-ટીશર્ટ જેવા સાધારણ પહેરવેશ અને સામાન્ય લોકોની વાતો રજૂ કરવા માટે જાણીતા છે. તેમણે સત્તાવાર રીતે વડાપ્રધાન પદની રેસમાં ઝંપલાવવાની જાહેરાત પણ કરી દીધી છે.

રસપ્રદ વાત એ છે કે, અત્યાર સુધી એન્ડી બર્નહામના સૌથી મોટા હરીફ માનવામાં આવતા પૂર્વ હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગે (Wes Streeting) અણધારી જાહેરાત કરીને પોતે ચૂંટણી નહીં લડે અને બર્નહામને સમર્થન આપશે તેવું જાહેર કર્યું છે. આ સમર્થનને કારણે હવે એન્ડી બર્નહામ બ્રિટનના આગામી વડાપ્રધાન બને તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જો પક્ષમાં અન્ય કોઈ ઉમેદવાર સામે નહીં આવે, તો જુલાઈ મહિનાના મધ્ય સુધીમાં જ તેઓ સત્તાવાર રીતે બ્રિટનના વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે.

લેબર પાર્ટીની સત્તાવાર ઇન્ટર્નલ ચૂંટણી પ્રક્રિયા ૯ જુલાઈથી શરૂ થવાની છે. કીથ સ્ટારમરે જણાવ્યું છે કે તેઓ દેશના હિતમાં સત્તાનું હસ્તાંતરણ એકદમ શાંતિપૂર્ણ અને જવાબદારીપૂર્વક થાય તેવા પૂરતા પ્રયાસો કરશે. બ્રિટનની આર્થિક સ્થિતિ અને કટોકટીભર્યા આંતરરાષ્ટ્રીય માહોલ વચ્ચે જે પણ નવો નેતા વડાપ્રધાનની ખુરશી પર બેસશે, તેના માટે દેશને સંભાળવો અને લેબર પાર્ટીની ડૂબતી નૈયાને ફરી પાર લગાવવી એ એક બહુ મોટો પડકાર સાબિત થશે.

(6:20 PM IST)