News of Wednesday, 16th September 2026
એશિયાના અમીરોની યાદીમાં મોટો ભૂકંપ: TikTok ના બાદશાહ ઝાંગ યિમિંગે ભારતના ગૌતમ અદાણી પાસેથી છીનવી લીધો તાજ, બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ!
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને શોર્ટ-વિડિયોના જોરે $૧૦૫ અબજની સંપત્તિ સાથે ઝાંગ યિમિંગ ટોચ પર: ટેકનોલોજીની તાકાત સામે પરંપરાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમોડિટીઝ બિઝનેસ પાછળ છૂટ્યો

નવી દિલ્હી, તા.૧૬: વિશ્વભરમાં શોર્ટ-વિડિયો પ્લેટફોર્મ TikTok અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના જોરે ધૂમ મચાવનાર કંપની 'બાઈટડાન્સ' (ByteDance) ના સ્થાપક ઝાંગ યિમિંગે એશિયાના ઉદ્યોગ જગતમાં ઈતિહાસ રચી દીધો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરમાં જાહેર થયેલા અહેવાલ અનુસાર, ૪૩ વર્ષીય ઝાંગ યિમિંગ ભારતીય દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પાછળ છોડીને પ્રથમ વખત એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. આ સિદ્ધિ ટેકનોલોજી અને એઆઈ ક્ષેત્રે સંપત્તિ સર્જનમાં આવેલા અભૂતપૂર્વ ઉછાળાને દર્શાવે છે.
બ્લૂમબર્ગના ટ્રેકિંગ મુજબ, ઝાંગની કુલ નેટવર્થ હવે $૧૦૫ અબજ (આશરે રૂ. ૮.૭ લાખ કરોડ) ને વટાવી ગઈ છે, જે તેમને એશિયાના અમીરોની રેસમાં સૌથી આગળ લઈ જવા માટે પૂરતી છે. પોર્ટ્સથી લઈને ગ્રીન એનર્જી ક્ષેત્રે વર્ચસ્વ ધરાવતા ગૌતમ અદાણી અત્યાર સુધી આ યાદીમાં ટોચના સ્થાને બિરાજમાન હતા, પરંતુ હવે તેઓ બીજા ક્રમે સરકી ગયા છે.
અમેરિકા સાથેનો વિવાદ ઉકેલાતાં જ સંપત્તિમાં રોકેટ જેવી તેજી
ઝાંગ યિમિંગ માટે આ તાજ મેળવવો આસાન નહોતો. વર્ષો સુધી અમેરિકામાં TikTok પર પ્રતિબંધ અને માલિકી હકના કાનૂની વિવાદોને કારણે તેમની સંપત્તિ પર અનિશ્ચિતતાના કાળા વાદળો છવાયેલા હતા. જોકે, જાન્યુઆરી ૨૦૨૬માં બાઈટડાન્સે અમેરિકી ટેક દિગ્ગજ 'ઓરેકલ' (Oracle) અને 'સિલ્વર લેક' (Silver Lake) સાથે એક ઐતિહાસિક સંયુક્ત સાહસ (Joint Venture) કરાર કરીને યુએસમાં વિવાદનો કાયમી ઉકેલ આણ્યો હતો, જેથી કંપનીનું મૂલ્યાંકન સીધું આસમાને પહોંચી ગયું.
૨૦૧૯ થી સંપત્તિમાં આઠ ગણો અધધ વધારો
આંકડા દર્શાવે છે કે માર્ચ ૨૦૧૯માં જ્યારે બ્લૂમબર્ગે ઝાંગની સંપત્તિ ટ્રેક કરવાનું શરૂ કર્યું ત્યારે તે માત્ર $૧૩ અબજ હતી. માત્ર સાત વર્ષના ટૂંકા ગાળામાં તેમની સંપત્તિમાં આઠ ગણો જંગી વધારો નોંધાયો છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે એશિયામાં હવે સ્ટીલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ઓઈલ જેવા પરંપરાગત ઉદ્યોગો કરતાં ટેકનોલોજી, સોશિયલ મીડિયા અને AI આધારિત ડિજિટલ બિઝનેસ ખૂબ જ ઝડપથી સંપત્તિનું સર્જન કરી રહ્યા છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
