<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

BRICS શિખર સંમેલન પહેલાં ભારત-રશિયા વચ્ચે મોટી સંરક્ષણ ડીલની શક્યતા: પુતિન PM મોદીને Su-57 સ્ટીલ્થ ફાઈટર જેટ વેચવાનો એજન્ડા રજૂ કરશે

અમેરિકાના F-22 અને F-35 ને ટક્કર આપવા રશિયાએ બનાવેલું ૫મી પેઢીનું ઘાતક ફાઈટર જેટ: ૨૪૫૮ કિમી/કલાકની સુપરસોનિક સ્પીડ અને અદ્રશ્ય થઈને હુમલો કરવાની ક્ષમતાથી સજ્જ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાનારી આગામી BRICS શિખર સંમેલન દ્વિપક્ષીય બેઠક પહેલા સંરક્ષણ ક્ષેત્રે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયન રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે સ્પષ્ટ કર્યું છે કે ભારતને રશિયાનું સૌથી ઘાતક અને આધુનિક ૫મી પેઢીનું સ્ટીલ્થ ફાઈટર જેટ Su-57 વેચવું એ આ બેઠકનો મુખ્ય એજન્ડા રહેશે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચે નવા પરમાણુ પાવર પ્લાન્ટ્સ સ્થાપવા અને યુક્રેન વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ અંગે પણ ચર્ચા થશે.

 

Su-57 ફાઈટર જેટ કેટલું ઘાતક છે?

 

Su-57 એ રશિયાનું પ્રથમ ૫મી પેઢીનું (Fifth-Generation) સ્ટીલ્થ ફાઈટર જેટ છે. તેને ખાસ કરીને અમેરિકાના F-22 રેપ્ટર અને F-35 લાઈટનિંગ II ને ટક્કર આપવા માટે સુખોઈ (Sukhoi) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.


 

  • અદ્રશ્ય ક્ષમતા (Stealth Technology): રડારને ચકમો આપવામાં આ વિમાન અત્યંત નિષ્ણાત છે. તેની ખાસ ડિઝાઈન અને રડાર-એબ્ઝોર્બિંગ કોટિંગને કારણે દુશ્મનના રડાર તેને સરળતાથી ટ્રેક કરી શકતા નથી.

 

  • અતિશય ઝડપ (Supercruise Speed): તે કલાકના આશરે ૨,૪૫૮ કિમીની ઝડપે (મેક 2.0) ઉડી શકે છે. તે આફ્ટરબર્નર વગર પણ સુપરસોનિક ઝડપ જાળવી રાખવાની ક્ષમતા (Supercruise) ધરાવે છે.

 

  • ઘાતક શસ્ત્ર પ્રણાલી: આ જેટ હવાથી હવામાં અને હવાથી જમીન પર અત્યંત લાંબા અંતર સુધી સચોટ હુમલો કરવા માટે સક્ષમ મિસાઈલોથી સજ્જ થઈ શકે છે.

 

  • કિંમત અને ઉત્પાદન: એક અંદાજ મુજબ આ સિંગલ-સીટર, ટ્વિન-એન્જિન જેટના ઉત્પાદનનો ખર્ચ આશરે $૫૦ મિલિયન (ડોલર) જેટલો થાય છે. રશિયા હાલમાં આ જેટ માટે વધુ શક્તિશાળી અને ઓછું બળતણ વાપરતા નવા એન્જિન પર પણ કામ કરી રહ્યું છે.

 

રશિયા પર યુએસ ટેરિફ પ્રસ્તાવને ફગાવ્યો

 

આ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પેસ્કોવે રશિયન ક્રૂડ ઓઈલ ખરીદતા દેશો પર ૧૦૦% ટેરિફ લાદવાના યુએસના પ્રસ્તાવિત પગલાને સંપૂર્ણપણે ગેરકાયદેસર અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. તેમણે ભારતના સંતુલિત વલણની પ્રશંસા કરતાં ઉમેર્યું કે ભારત અને રશિયા વૈશ્વિક શાંતિ માટે એકસમાન વિઝન ધરાવે છે.

(8:26 PM IST)