<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

તહેવારો પહેલાં પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય, ૨૪ સ્પેશિયલ ટ્રેનોના ફેરા નવેમ્બર સુધી લંબાવાયા

સબ હેડિંગ: ગુજરાત અને મુંબઈથી દેશના વિવિધ શહેરો માટેની ટ્રેનોને એક્સટેન્શન, ૧ સપ્ટેમ્બરથી રિઝર્વેશન શરૂ થતાં મુસાફરોને મળશે મોટી રાહત

બેંગલુરુ : આગામી તહેવારોની સિઝનમાં મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા ૨૪ સ્પેશિયલ ટ્રેનોના ફેરા નવેમ્બર માસાંત સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત અને મુંબઈથી દેશના વિવિધ રાજ્યો તથા શહેરો તરફ દોડતી આ ટ્રેનોના વધારાના ફેરા માટેનું રિઝર્વેશન ૧ સપ્ટેમ્બર ૨૦૨૬થી તમામ પીઆરએસ કાઉન્ટર તેમજ અધિકૃત ઇન્ડિયન રેલવે વેબસાઇટ પર શરૂ થશે. તહેવારો દરમિયાન મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં સરળતા રહે અને નિયમિત ટ્રેનો પરનો વધારાનો ભાર ઘટે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.

પશ્ચિમ રેલવેના નિર્ણય મુજબ બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર ટર્મિનસથી દોડતી કેટલીક સ્પેશિયલ ટ્રેનો અનુક્રમે ૨૭ અને ૨૬ નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ઉધના-માલદા ટાઉન સાપ્તાહિક સ્પેશિયલ ઉધનાથી ૨૬ નવેમ્બર અને માલદા ટાઉનથી ૨૯ નવેમ્બર સુધી દોડશે. સુરત-છાપરા સાપ્તાહિક સ્પેશિયલના ફેરા સુરતથી ૨૦ ઓક્ટોબરથી ૧૭ નવેમ્બર અને છાપરાથી ૨૧ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધી રહેશે. જ્યારે અમદાવાદ-મંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ અમદાવાદથી ૨૭ નવેમ્બર અને મંગલુરુથી ૨૮ નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

આ ઉપરાંત ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ગાંધીધામથી ૨૭ નવેમ્બર અને ભાગલપુરથી ૩૦ નવેમ્બર સુધી દોડશે. સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ સાબરમતીથી ૧૯ ઓક્ટોબરથી ૨૩ નવેમ્બર અને હરિદ્વારથી ૨૦ ઓક્ટોબરથી ૨૪ નવેમ્બર સુધી ચાલશે. ઓખા-શકુર બસ્તી સ્પેશિયલ ઓખાથી ૨૦ ઓક્ટોબરથી ૨૪ નવેમ્બર અને શકુર બસ્તીથી ૨૧ ઓક્ટોબરથી ૨૫ નવેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે.

(11:12 AM IST)