તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
પશ્ચિમ બંગાળની સુવેન્દુ અધિકારી સરકારનો મોટો નિર્ણય: અગાઉની મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અપીલ ખેંચી પાછી; ૭૭ સમુદાયોનો OBC દરજ્જો રદ રાખવાનો હાઇકોર્ટનો ચુકાદો યથાવત!
૭૫ મુસ્લિમ જ્ઞાતિઓ સહિત ૭૭ સમુદાયોને ઓબીસી યાદીમાંથી બહાર કરવાના કોલકાતા હાઇકોર્ટના ઐતિહાસિક નિર્ણયને નવી ભાજપ સરકારે સ્વીકાર્યો; સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચવા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની ખંડપીઠે આપી મંજૂરી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં થયેલા ઐતિહાસિક સત્તાપલટા બાદ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની આગેવાની હેઠળની નવી ભાજપ સરકારે અનામતના મુદ્દે એક અત્યંત મોટો અને નિર્ણાયક કદમ ઉઠાવ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે અન્ય પછાત વર્ગ (OBC) ની યાદીમાંથી ૭૭ સમુદાયોનો દરજ્જો રદ કરવાના કોલકાતા હાઇકોર્ટના ચુકાદા સામે અગાઉની મમતા બેનર્જી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અપીલ સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. નવી સરકારના આ નિર્ણયથી બંગાળના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી ખંડપીઠ સમક્ષ આ અરજી પાછી ખેંચવાની વિનંતી કરી હતી, જેને સર્વોચ્ચ અદાલતે મંજૂર રાખી છે. આ સાથે જ અદાલતે પશ્ચિમ બંગાળ રાજ્ય પછાત વર્ગ આયોગ (OBC Commission) ને પણ આ જ વિષય પરની પોતાની અલગ અપીલ પાછી ખેંચવાની પરવાનગી આપી દીધી છે.
શું હતો સમગ્ર વિવાદ અને નવી સરકારનું વલણ?
ઉલ્લેખનીય છે કે, અગાઉની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર દ્વારા ઓબીસી યાદીમાં સામેલ કરવામાં આવેલા ૭૭ સમુદાયોના દરજ્જાને કોલકાતા હાઇકોર્ટે ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધો હતો. આ ૭૭ સમુદાયોમાંથી ૭૫ સમુદાયો મુસ્લિમ જ્ઞાતિઓ સાથે સંબંધિત હતા. હાઇકોર્ટના આ ચુકાદાથી નારાજ થઈને તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
જો કે, મે ૨૦૨૬ માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી બનેલા સુવેન્દુ અધિકારીની નવી સરકારે આ કાનૂની લડાઈ પડતી મૂકવાનો નિર્ણય કર્યો છે. અપીલ પાછી ખેંચી લેવાના આ નિર્ણય સાથે જ હવે કોલકાતા હાઇકોર્ટનો એ આદેશ યથાવત રહેશે, જેમાં આ ૭૭ સમુદાયોનો ઓબીસી દરજ્જો રદ કરવામાં આવ્યો હતો. રાજકીય વિશ્લેષકો આ પગલાને નવી સરકારની તુષ્ટિકરણ વિરોધી નીતિના એક ભાગ તરીકે જોઈ રહ્યા છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
