તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
સુપ્રીમ કોર્ટ કોલેજિયમનો મોટો નિર્ણય: આંધ્રપ્રદેશ, કેરળ સહિત દેશની ૪ હાઈકોર્ટમાં ૧૨ જજ કાયમી નિમાયા
સીજેઆઈ સૂર્ય કાંતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી; ન્યાયતંત્રની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા દિશામાં મહત્વનું કદમ

નવી દિલ્હી, તા.૨૪: દેશની ન્યાયપ્રણાલીને વધુ ઝડપી અને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી સુપ્રીમ કોર્ટ કોલેજિયમે એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્ય કાંત, ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ બી.વી. નાગરત્નાની બનેલી કોલેજિયમની ઉચ્ચસ્તરીય બેઠકમાં દેશની ચાર વિવિધ હાઈકોર્ટમાં કાર્યરત ૧૨ વધારાના (એડિશનલ) ન્યાયાધીશોને કાયમી ન્યાયાધીશ તરીકે નિમણૂક આપવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે.
કોલેજિયમ દ્વારા મંજૂર કરાયેલી આ ભલામણો અંતર્ગત આંધ્રપ્રદેશ, કેરળ, ઉત્તરાખંડ અને ગુવાહાટી હાઈકોર્ટમાં ન્યાયાધીશોની કાયમી નિમણૂકો કરવામાં આવશે. સૌથી વધુ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પાંચ વધારાના ન્યાયાધીશોને કાયમી કરાયા છે, જેમાં જસ્ટિસ મહેશ્વર રાવ કુંચમ, જસ્ટિસ ટી.સી.ડી. શેખર, જસ્ટિસ ચલ્લા ગુણરંજન, જસ્ટિસ એ. એચ. શર્મા અને ડૉ. જસ્ટિસ વાય. લક્ષ્મણ રાવનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, કેરળ હાઈકોર્ટમાં પણ પાંચ ન્યાયાધીશો - જસ્ટિસ પી. કૃષ્ણ કુમાર, કે.વી. જયકુમાર, મુરલી કૃષ્ણ એસ., જોબિન સેબેસ્ટિયન અને પી.વી. બાલકૃષ્ણનને કાયમી જજ તરીકે મંજૂરી આપવામાં આવી છે. તેમજ ઉત્તરાખંડ હાઈકોર્ટમાંથી જસ્ટિસ સુભાષ ઉપાધ્યાય અને ગુવાહાટી હાઈકોર્ટમાંથી જસ્ટિસ કૌશિક ગોસ્વામીની કાયમી ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાની ભલામણ કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે. આ નિર્ણયથી વિવિધ હાઈકોર્ટમાં પડતર કેસોના નિકાલમાં ઝડપ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
