<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

રામ મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય: ભંડોળ ચોરી વિવાદ વચ્ચે ૫ સંતોને સોંપાઈ મંદિરની કમાન : નવી સમિતિની રચના

મંદિરના સંચાલનને પારદર્શક બનાવવા માટે રામ મંદિર ટ્રસ્ટની ઈમરજન્સી બેઠકમાં નિર્ણાયક પગલાં: ધાર્મિક સમિતિની સાથે ટૂંક સમયમાં પ્રવક્તા અને નવા સીઈઓની થશે નિમણૂક

અયોધ્યા :  અયોધ્યા સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં તાજેતરમાં સામે આવેલા ભંડોળ ચોરીના ચકચારી કૌભાંડ બાદ રામ મંદિર ટ્રસ્ટ હરકતમાં આવ્યું છે. બુધવારે યોજાયેલી ઉચ્ચ સ્તરીય અને મહત્વપૂર્ણ બેઠકમાં મંદિરની સુરક્ષા, શિસ્ત અને પારદર્શિતા જાળવવા માટે કેટલાક કડક અને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. નવો સીઈઓ (CEO) પસંદ કરવામાં હજુ એક મહિના જેટલો સમય લાગે તેમ હોવાથી, વ્યવસ્થાપનને સુચારુ રૂપે ચલાવવા માટે અયોધ્યાના પાંચ પૂજનીય અને અનુભવી સંતોને મંદિરના સંચાલનની પ્રત્યક્ષ જવાબદારી સોંપવામાં આવી છે.

મંદિરની ધાર્મિક વિધિઓ અને નિત્ય પૂજા-અર્ચનામાં ઉત્કૃષ્ટતા લાવવાના હેતુથી ગોવિંદ ગિરીજીના નેતૃત્વ હેઠળ એક વિશેષ 'ધાર્મિક સમિતિ'ની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સ્વામી રામાનંદ દાસ, મહંત રાજકુમાર દાસ, સ્વામી વિશ્વપ્રસન્ન તીર્થ, સ્વામી મિથિલેશનંદી શરણ, સ્વામી કમલનયન દાસ, સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી અને સ્વામી દિનેન્દ્રદાસ જેવા અગ્રણી સંતો-મહંતોનો સમાવેશ કરાયો છે. આ સમિતિ મંદિરની આધ્યાત્મિક મર્યાદાઓ અને પૂજા પદ્ધતિઓનું નિરીક્ષણ કરશે.

આ ઉપરાંત, ભક્તો તથા મીડિયા સાથે સ્પષ્ટ સંવાદ જાળવી રાખવા અને ભ્રામક અફવાઓને રોકવા માટે ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં જ એક અધિકૃત પ્રવક્તા  ની નીમણૂક કરવાનો પણ નિર્ણય લેવાયો છે. ટ્રસ્ટમાં ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરીને અયોધ્યા આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટના આ સખત વલણથી શ્રદ્ધાળુઓમાં ફરી એકવાર વિશ્વાસનો માહોલ સર્જાયો છે.

(6:46 PM IST)