તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
રેલવે કર્મચારીઓ માટે મોટો નિર્ણય: NPSમાંથી બદલાઈને UPS પસંદ કરવાની ઐતિહાસિક તક : નિવૃત્તિ અને VRS અંગે સરકારે તમામ ચિત્ર સ્પષ્ટ કર્યું!
.કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) અંગે જારી કરી વિગતવાર માર્ગદર્શિકા: ૨૫ વર્ષની સેવા પર ૫૦ ટકા ગેરંટીડ પેન્શન, પરિવાર માટે કૌટુંબિક પેન્શન અને VRS માટેના નિયમો સરળ બન્યા

વી દિલ્હી: રેલવે મંત્રાલયે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવરી લેવામાં આવેલા પોતાના હજારો કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) અંગેના નવા અને અત્યંત મહત્વપૂર્ણ નિયમોની જાહેરાત કરીને પેન્શન અંગે ચાલતી તમામ મૂંઝવણોનો અંત આણ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર, ૧ જાન્યુઆરી, ૨૦૦૪ અથવા તે પછી નીમાયેલા રેલવે કર્મચારીઓને આ સ્કીમનો લાભ મળશે. કર્મચારીઓને પોતાના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા (DA)ના ૧૦% યોગદાન આપવાનું રહેશે, જ્યારે સામે પક્ષે સરકાર પણ સરખો કે તેથી વધુ ફાળો આપીને કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત કરશે.
નવા નિયમો મુજબ, જે રેલવે કર્મચારીઓએ ઓછામાં ઓછી ૨૫ વર્ષની લાયકાત ધરાવતી સેવા પૂર્ણ કરી છે, તેમને નિવૃત્તિ પહેલાના છેલ્લા ૧૨ મહિનાના સરેરાશ મૂળ પગારના ૫૦% જેટલું ખાતરીપૂર્વકનું (ગેરંટીડ) પેન્શન આપવામાં આવશે. જે કર્મચારીઓની સેવા ૧૦ થી ૨૫ વર્ષ વચ્ચે હશે, તેમને પ્રમાણસર (પ્રો-રેટા) પેન્શન મળશે. ૧૦ વર્ષની સેવા પર લઘુત્તમ ₹૧૦,૦૦૦ પેન્શન સુનિશ્ચિત કરાયું છે. આ ઉપરાંત, જો કોઈ કર્મચારીનું દુઃખદ અવસાન થાય છે, તો તેના કાયદેસર પરિણીત જીવનસાથીને કુલ પેન્શનના ૬૦% કૌટુંબિક પેન્શન આપવામાં આવશે, જેથી પરિવારોનું નાણાકીય રક્ષણ જળવાઈ રહે.
સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેનારા કર્મચારીઓ માટે પણ માર્ગદર્શિકામાં સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. ૨૦ વર્ષની સેવા પછી VRS લઈ શકાય છે અને ૨૫ વર્ષ પૂરા કર્યા હોય તો પૂરેપૂરું ૫૦% ગેરંટીડ પેન્શન મળશે, પરંતુ આ વાર્ષિકી ચૂકવણી કર્મચારી તેની સુપરએન્યુએશન (નિવૃત્તિ) વયે પહોંચે ત્યારે શરૂ થશે. જોકે સામાન્ય રાજીનામું આપનાર કે સેવામાંથી બરતરફ કરાયેલા કર્મચારીઓ માટે ગેરંટીડ પેન્શનનો અધિકાર રદ થશે, સિવાય કે રાજીનામું કેન્દ્ર સરકારની જ કોઈ અન્ય નોકરી મેળવવા માટે યોગ્ય મંજૂરી સાથે આપવામાં આવ્યું હોય. ૧ એપ્રિલ, ૨૦૨૫થી શરૂ થતી આ યોજનાથી રેલવે કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
