<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

માર્ગ અકસ્માતો અટકાવવા મોટો નિર્ણય: રાષ્ટ્રીય માર્ગ સલામતી પરિષદનું પુનર્ગઠન: કેન્દ્રીય મંત્રીના નેતૃત્વમાં 69 સભ્યોની ટીમ રચાઈ

સુપ્રીમ કોર્ટની ટકોર બાદ જાગેલું પરિવહન મંત્રાલય: દર વર્ષે 1.75 લાખ લોકોના થતા મોત વચ્ચે 7 વર્ષની લાંબી રાહ પછી રસ્તાની સુધારણા અને નીતિ ઘડતર માટે તમામ રાજ્યો એક મંચ પર આવશે

નવી દિલ્હી,:  ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં આશરે 1.75 લાખ જેટલા માસૂમ લોકો પોતાના જીવ ગુમાવે છે, જે એક અત્યંત ગંભીર ચિંતાનો વિષય છે. આ ભયાનક અકસ્માતો અટકાવવા અને માર્ગ સલામતીના કડક અમલીકરણ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સાત વર્ષની લાંબી રાહ જોયા બાદ આખરે 'રાષ્ટ્રીય માર્ગ સલામતી પરિષદ' નું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ 2023માં ગઠિત કરાયેલી પરિષદે પોતાના આખા કાર્યકાળ દરમિયાન એક પણ બેઠક યોજી ન હતી, જેના કારણે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. આ કાનૂની ફટકાર બાદ કેન્દ્ર સરકારે મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 215 હેઠળ આ ઉચ્ચ સ્તરીય પરિષદની કાયદેસર સ્થાપના કરીને દેશભરમાં રસ્તાઓની સુરક્ષા સુધારવાના સંકેત આપ્યા છે.

પુનર્ગઠિત કરાયેલી આ રાષ્ટ્રીય પરિષદનું નેતૃત્વ ખુદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી કરશે, જ્યારે પરિવહન વિભાગના બે રાજ્યમંત્રીઓ તેના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપશે. આ પરિષદમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીઓ, કેન્દ્રીય મંત્રાલયના સચિવ, NHAIના અધ્યક્ષ, રોડ વિકાસ મહાનિર્દેશક સહિત ગૃહ, શિક્ષણ અને આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ પ્રતિનિધિઓ મળીને કુલ 69 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલી નવી અધિસૂચના અનુસાર, વિવિધ રાજ્યો વચ્ચે પરસ્પર સંકલન સાધીને માર્ગ સલામતીની સમીક્ષા કરવા માટે આ કાઉન્સિલની વર્ષમાં ઓછામાં ઓછી એક ફરજિયાત બેઠક યોજવામાં આવશે.

આ અગાઉ આગ્રાના વરિષ્ઠ વકીલ અને રોડ સેફ્ટી એક્ટિવિસ્ટ કે.સી. જૈન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાષ્ટ્રીય માર્ગ સલામતી પરિષદની નિષ્ક્રિયતા સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આઈટીઆઈ  દ્વારા મળેલી માહિતીમાં ખુલાસો થયો હતો કે ઓગસ્ટ 2023 પછી પરિષદની કોઈ જ બેઠક બોલાવવામાં આવી નહોતી અને તેના સભ્યોની મુદત પણ પૂરી થઈ ગઈ હતી. માર્ગ અકસ્માતોની સમસ્યા કોઈ એક રાજ્ય પૂરતી સીમિત ન હોવાથી, આ રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ તમામ રાજ્યોના અનુભવો અને સફળ મોડલ્સને એકબીજા સાથે શેર કરીને દેશભરમાં અકસ્માતો અને મૃત્યુઆંક ઘટાડવામાં અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવશે.

(10:35 PM IST)