<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

લદ્દાખના ઇતિહાસમાં મોટો નિર્ણય : હવે 60000 એકર પડતર જમીન પર લદ્દાખવાસીઓને મળશે માલિકી હક

લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ લદ્દાખના સ્થાનિક લોકોને પ્રદેશમાં આવેલી 60000 એકર સરકારી પડતર જમીન પર માલિકી હક આપવાનો માર્ગ મોકળો કર્યો

લદ્દાખના ઇતિહાસમાં એક મોટો અને મહત્વનો નિર્ણય લેતા લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ લદ્દાખના સ્થાનિક લોકોને પ્રદેશમાં આવેલી 60000 એકર સરકારી પડતર જમીન પર માલિકી હક આપવાનો માર્ગ મોકળો કર્યો છે. ઉપરાજ્યપાલ દ્વારા શુક્રવારે કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનની લદ્દાખ સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદ સરકારી પડતર જમીન નિયમિતિકરણ નિયમો, 2026ને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.આ ઐતિહાસિક નિર્ણયથી દાયકાઓથી પેન્ડિંગ પડેલી નોતોર જમીનના નિયમિતિકરણનો રસ્તો સાફ થઈ ગયો છે અને યોગ્યતા ધરાવતા જમીનધારકોને પ્રોપર્ટી સંબંધિત તમામ કાનૂની માલિકી હકો પ્રાપ્ત થશે.

લદ્દાખમાં સરકારની માલિકીની આશરે 60000 એકરથી વધુ બંજર અને નકામી પડતર જમીન વર્ષો પહેલાં લોકોને ખેતીકામ માટે ફાળવવામાં આવી હતી. પરંતુ કોઈ સ્પષ્ટ કાનૂની માળખું કે વ્યવસ્થા ન હોવાના લીધે આ જમીન ધારકોને તેનો સાચો આર્થિક લાભ મળી શકતો નહોતો. હવે પ્રશાસન દ્વારા જે નવા નિયમો બનાવવામાં આવ્યા છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય નોતોર જમીનની વહેંચણી સંબંધે વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને પાયાના સ્તરે લોકોનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવાનો છે.

નવા નિયમો અંતર્ગત પાત્ર ધરાવતા નાગરિકોને પોતાની મેળવેલી નોતોર જમીનમાંથી મહત્તમ 10 એકર સુધીની જમીન પર કાયમી માલિકી હક સોંપવામાં આવશે.જો કોઈની પાસે 10 એકર કરતાં વધુ જમીન હશે તો તે વધારાની જમીન માત્ર લીઝહોલ્ડ (ભાડાપટ્ટા) ના આધારે જ ફાળવી શકાશે.

આ નિયમિતિકરણનો સૌથી મોટો ફાયદો એ થશે કે હવે જમીન ધારકો પોતાની નિયમિત કરાયેલી જમીન પર સત્તાવાર રીતે બેંકોમાંથી એગ્રીકલ્ચર કે ડેવલપમેન્ટ લોન મેળવી શકશે. આનાથી લદ્દાખના સ્થાનિક લોકોને ખેતીવાડી અને અન્ય વિકાસ કામો માટે આર્થિક સંસાધનો અને નાણાકીય ભંડોળ એકત્ર કરવામાં ઘણી મોટી મદદ મળશે. આ ઉપરાંત, નવા નિયમો હેઠળ નિયમિત કરવામાં આવેલી આ નોતોર જમીનના લેન્ડ યુઝ એટલે કે જમીનના ઉપયોગમાં પરિવર્તન કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

 

 

 

લદ્દાખ પ્રશાસન દ્વારા તારીખ 27 ઓક્ટોબર 2020 પહેલાં જે નાગરિકોના કબજામાં આવી નોતોર જમીન હતી, તેમના માટે "વન-ટાઇમ રેગ્યુલરાઇઝેશન" એટલે કે એક વખતની નિયમિતિકરણ પ્રક્રિયાની વિશેષ જોગવાઈ રાખવામાં આવી છે. હવે લદ્દાખના તમામ 7 જિલ્લાઓમાં આવી નોતોર જમીનના ફાળવણી અને નિયમન કરવાનો સત્તાવાર અધિકાર સંબંધિત લદ્દાખ સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદ પાસે રહેશે.

જો કે આ નિયમોની આખરી સત્તાવાર સૂચના બહાર પાડતાં પહેલાં પ્રશાસન દ્વારા તેને 2 અઠવાડિયા માટે સાર્વજનિક પરામર્શ (પબ્લિક કન્સલ્ટેશન) માટે ખુલ્લી મુકવામાં આવશે.આ સમયગાળા દરમિયાન લદ્દાખના સામાન્ય લોકો અને તમામ સંબંધિત હિતધારકો પોતાના જરૂરી સૂચનો અને વાંધા અરજીઓ પ્રશાસન સમક્ષ રજૂ કરી શકશે.

 

 

 

આ ઐતિહાસિક નિર્ણય અંગે વાત કરતાં ઉપરાજ્યપાલે જણાવ્યું હતું કે,આ નવી વ્યવસ્થા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇઝ ઓફ લિવિંગના વ્યાપક દ્રષ્ટિકોણ અને વહીવટી પ્રક્રિયાઓના સુધારા તથા નિયમોના સરળીકરણની દિશામાં લેવાયેલું એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. આનાથી નોતોર જમીન ધારકોને કાનૂની નિશ્ચિતતા મળશે અને વર્ષોથી ઉપયોગમાં લેવાતી જમીન વાસ્તવિક આર્થિક સંપત્તિમાં રૂપાંતરિત થશે, જે લદ્દાખ ક્ષેત્રના સર્વાંગી, સમાન અને સર્વસમાવેશી વિકાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.

(7:12 PM IST)