News of Friday, 15th May 2026
ઈરાન મુદ્દે અમેરિકા-ચીન વચ્ચે મોટી 'ડીલ': પરમાણુ હથિયાર અને હોર્મુઝ સામુદ્રધુની મુદ્દે શી જિનપિંગે ટ્રમ્પનો સાથ આપ્યો, શસ્ત્રો ન આપવાનું વચન
'જો મદદ જોઈતી હોય તો હું તૈયાર છું': રાષ્ટ્રપતિ શીએ તેહરાન પર દબાણ લાવવા ટ્રમ્પને આપી ઓફર; ચીન હવે ઈરાનને બદલે અમેરિકા પાસેથી તેલ ખરીદવામાં બતાવ્યો રસ

બેઇજિંગ, તા.૧૫: ચીનની મુલાકાતે ગયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની સમકક્ષ શી જિનપિંગ વચ્ચે ઈરાનના મુદ્દે એક આશ્ચર્યજનક અને ઐતિહાસિક સંમતિ સધાઈ છે. વિશ્વના તેલ પુરવઠા માટે મહત્વની ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) ને ખુલ્લી રાખવા અને ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન બનાવે તે બાબતે બંને મહાસત્તાઓ એકસાથે આવી છે. શીએ ટ્રમ્પને ખાતરી આપી છે કે ચીન હવે ઈરાનને કોઈ પણ પ્રકારની લશ્કરી સહાય કે શસ્ત્રો પૂરા પાડશે નહીં.
હોર્મુઝ સ્ટ્રેટ: ચીન માટે અસ્તિત્વનો સવાલ
ચીન તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો અંદાજે ૪૫% થી ૫૦% હિસ્સો હોર્મુઝ સામુદ્રધુની દ્વારા આયાત કરે છે. હાલમાં મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે આ જળમાર્ગ પ્રભાવિત થયો છે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ શી આ જળમાર્ગને ખુલ્લો જોવા માંગે છે અને તેમણે આ મામલે મને મદદ કરવાની ઓફર પણ કરી છે." ચીને આ વિસ્તારના લશ્કરીકરણ સામે પોતાનો કડક વિરોધ નોંધાવ્યો છે.
પરમાણુ હથિયાર પર 'નો-કોમ્પ્રોમાઈઝ'
વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, બંને નેતાઓ એક વાત પર મક્કમ છે કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ શસ્ત્રો હોવા જોઈએ નહીં. ટ્રમ્પ લાંબા સમયથી ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓ સામે લડત આપી રહ્યા છે, હવે ચીને પણ આમાં સૂર પુરાવતા ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી જાય તેવી શક્યતા છે. વધુમાં, ચીને પોતાની તેલની નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવામાં પણ રસ દાખવ્યો છે.
'થુસીડાઇડ્સ ટ્રેપ' અને મિત્રતાનો નવો અધ્યાય
શિખર સંમેલન દરમિયાન શીએ 'થુસીડાઇડ્સ ટ્રેપ'નો ઉલ્લેખ કર્યો હતો, જેનો અર્થ એ થાય છે કે જ્યારે ઉભરતી શક્તિ (ચીન) સ્થાપિત શક્તિ (અમેરિકા) ને પડકારે છે ત્યારે યુદ્ધ થવાની સંભાવના રહે છે. જોકે, શીએ આશા વ્યક્ત કરી હતી કે બંને દેશો હરીફ નહીં પણ ભાગીદાર બનીને કામ કરશે. તેમણે ટ્રમ્પના સૂત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "ચીનનો પુનરુદ્ધાર અને અમેરિકાને ફરીથી મહાન (MAGA) બનાવવાનું કામ સાથે મળીને થઈ શકે છે."
મુલાકાતના અન્ય મુખ્ય અંશો:
• બોઇંગ ડીલ: ચીન અમેરિકા પાસેથી ૨૦૦ બોઇંગ જેટ્સ ખરીદવા સંમત થયું છે.
• લશ્કરી વચન: શીએ ઈરાનને કોઈ પણ પ્રકારની 'ફાયરપાવર' કે લશ્કરી સાધનો ન આપવાનું મોટું નિવેદન આપ્યું છે.
• વ્હાઇટ હાઉસ આમંત્રણ: ટ્રમ્પે સપ્ટેમ્બરમાં શી જિનપિંગને વોશિંગ્ટન આવવાનું આમંત્રણ આપ્યું છે.
ટ્રમ્પ ૨૦૧૭ પછી ચીનની ધરતી પર પગ મૂકનારા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે. આ મુલાકાતથી માત્ર વેપાર જ નહીં, પરંતુ વૈશ્વિક સુરક્ષાના સમીકરણો પણ બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
