<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

મતદાર યાદીમાંથી નામ ગાયબ થવાના મામલે દેશમાં મોટો વિવાદ: પૂર્વ CEC એસ.વાય. કુરેશીએ ચૂંટણી પંચ સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું, 'આ અધિકારીઓનું કાવતરું અને ઉશ્કેરણી છે!'

ડ્રાફ્ટ યાદીમાંથી ૧૩ કરોડ નામ હટાવ્યા બાદ હવે જેમને 'ફોર્મ 6' ભરવાની ફરજ પડાઈ છે તે ગુનાના ભાગીદાર બની રહ્યા છે: ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરના આક્ષેપથી રાજકારણમાં ગરમાવો

નવી દિલ્હી : ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયાને લઈને દેશના રાજકારણમાં ભારે ઘમાસાણ મચી ગયું છે. આ દરમિયાન ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ડૉ. એસ.વાય. કુરેશીએ ચૂંટણી પંચ સામે અત્યંત ગંભીર આક્ષેપો કરીને નવો વિવાદ જગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે જે મતદારોના નામ SIR પ્રક્રિયા દરમિયાન યાદીમાંથી મનસ્વી રીતે દૂર કરવામાં આવ્યા હતા, તેમને ફરીથી નામ નોંધાવવા માટે 'ફોર્મ 6' ભરવાની ફરજ પાડવામાં આવી રહી છે, જે કાયદાકીય રીતે અયોગ્ય અને ગુનાહિત કૃત્ય સમાન છે.

 

ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકા સામે સવાલો

 

કુરેશીએ તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી એક પ્રેસ નોટ શેર કરી હતી, જેમાં બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ને સૂચના આપવામાં આવી છે કે તેઓ વર્તમાન મતદાર યાદીની સરખામણી અગાઉની યાદી સાથે કરે. જે લોકોના નામ યાદીમાંથી કપાઈ ગયા છે તેમની ઓળખ કરીને BLOs એમના ઘરે જાય અને પાત્ર મતદારોને 'ફોર્મ 6' દ્વારા પુનઃ નોંધણીની સુવિધા પૂરી પાડે. પંચે BLOs ને અઠવાડિયામાં ઓછામાં ઓછા ૨૦ થી ૨૫ મતદારોનો સંપર્ક કરી એક મહિનામાં આ પ્રક્રિયા પૂરી કરવા આદેશ આપ્યો છે.

 

'આ ચૂંટણી પંચની ઉશ્કેરણી છે, અધિકારીઓને થઈ શકે છે જેલ'

 

આ આદેશ પર આક્રોશ વ્યક્ત કરતા પૂર્વ CEC કુરેશીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "જે નાગરિકોને અત્યારે ફોર્મ 6 ભરવાની ફરજ પાડવામાં આવી રહી છે, તેઓ કદાચ અજાણતા ગંભીર ગુનાહિત કૃત્ય કરી રહ્યા છે, જેના માટે એક વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જે ચૂંટણી પંચના અધિકારીઓએ તેમને આમ કરવાની ફરજ પાડી છે, તેઓ સીધા આ ગુનામાં મદદગાર (abetters) છે. આ સ્પષ્ટપણે ચૂંટણી પંચની ઉશ્કેરણી દર્શાવે છે!" ઉલ્લેખનીય છે કે 'ફોર્મ 6' સામાન્ય રીતે નવા મતદારોની નોંધણી માટે હોય છે, ત્યારે જૂના મતદારો પાસે આ ફોર્મ ભરાવવાની પ્રક્રિયા સામે સવાલો ઉઠ્યા છે.

 

૧૩ કરોડ નામ હટાવવાના દાવા વચ્ચે વિવાદ વકર્યો

 

SIR પ્રક્રિયાને લઈને હાલ ચૂંટણી પંચની અંદર અને બહાર પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ વિશેષ સુધારણા પ્રક્રિયા દરમિયાન ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી અંદાજે ૧૩ કરોડ જેટલા નામ કમી કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ચૂંટણી પંચ એક તરફ બાકી રહી ગયેલા અને યુવા મતદારોને જોડવા માટે વિશેષ અભિયાન ચલાવી રહ્યું છે, ત્યારે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરના આ સનસનાટીભર્યા નિવેદનથી સમગ્ર ચૂંટણી તંત્ર પર ગંભીર સવાલો ઊભા થયા છે.

 

(8:47 PM IST)