તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટનું મોટું મંથન: ઇતિહાસમાં પ્રથમ વખત નિમાશે CEO : દાનમાં ગેરરીતિ અને ત્રણ ખાલી પદો પર આરપારની બેઠક!
ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા બાદ નવા મહાસચિવની પસંદગી : ત્રણ ખાલી પડેલી ટ્રસ્ટીની જગ્યાઓ ભરવા તેમજ દાન ઉચાપત કેસમાં SIT રિપોર્ટની સમીક્ષા સાથે રામ મંદિરની સુરક્ષા-પારદર્શકતા માટે અયોધ્યામાં લેવાશે નિર્ણય

અયોધ્યા : અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એક ઐતિહાસિક અને વહીવટી વળાંક પર આવીને ઊભું છે. ધાર્મિક અને વ્યવસ્થાપકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવી આ ખાસ બેઠકમાં મંદિરના રોજિંદા સંચાલનને વ્યાવસાયિક અને પારદર્શક બનાવવા માટે ટ્રસ્ટના ઇતિહાસમાં પ્રથમ વખત મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની નિમણૂક કરવાની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવશે. પૂર્વ મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા તેમજ ટ્રસ્ટી બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાના અવસાન બાદ ખાલી પડેલી ત્રણ મહત્વની જગ્યાઓ ભરવા અને નવા મહાસચિવની નિમણૂક અંગે સર્વસંમતિ સાધવા માટે ટ્રસ્ટના તમામ અગ્રણીઓ મણિરામ છાવણી ખાતે એકઠા થઈ રહ્યા છે.
આ હાઇ-પ્રોફાઇલ બેઠકમાં માત્ર નવા હોદ્દાઓની વહેંચણી જ નહીં, પરંતુ રામ મંદિરમાં પ્રસાદ અને દાન પેટે આવેલી રકમમાં કથિત ઉચાપતનો વિવાદ પણ મુખ્ય કેન્દ્રસ્થાને રહેશે. દાનની રકમમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા બાદ ગઠિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે પણ આ કેસની તપાસ અંગે રાજ્ય સરકાર પાસે ઉત્તર માંગ્યો હોવાથી, ટ્રસ્ટના સભ્ય સ્વામી પરમાનંદ ગિરી સહિતના વરિષ્ઠ ટ્રસ્ટીઓ વર્તમાન SITના રિપોર્ટનો ગહન અભ્યાસ કરીને આગળની કાનૂની અને વ્યવસ્થાપકીય કાર્યવાહી અંગે નિર્ણય લેશે.
બીજી તરફ, વહીવટી ફેરબદલ વચ્ચે ઉભી થયેલી અફવાઓ પર પણ વિરામ મૂકવાની કવાયત તેજ થઈ છે. નિર્મોહી અખાડાના અયોધ્યા એકમના વડા અને ટ્રસ્ટી મહંત દિનેન્દ્ર દાસે પોતાના રાજીનામા કે અખાડામાંથી હટાવાયાના અહેવાલોને સખત શબ્દોમાં ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે અખાડાના ૧૯ માંથી ૧૩ પંચો તેમની સાથે જ છે. બુધવારે બપોરે પ્રથમ રામ મંદિર સંકુલમાં ખાસ બેઠક યોજાશે અને ત્યારબાદ મણિરામ છાવણી ખાતે નિયમિત બેઠક યોજીને મંદિરની સુરક્ષા ચકાસણી, પ્રસાદી-રોકડ ગણતરીની નવી પ્રોટોકોલ સિસ્ટમ અને નવા ટ્રસ્ટીઓના નામો પર આખરી મંજૂરીની મહોર મારવામાં આવશે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
