<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

શિક્ષણ જગતમાં મોટો ફેરફાર: NCERT ના નવા પુસ્તકમાંથી હિટલર ગાયબ, ભાગલા પર કોંગ્રેસનું વલણ બદલાયું અને સાવરકરનો મહિમા વધ્યો

સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ ધોરણ-૮ ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ઐતિહાસિક સુધારા; ન્યાયતંત્ર પરના વાંધાજનક સંદર્ભો હટાવી નવું સંસ્કરણ બહાર પડાયું

નવી દિલ્હી, તા.૦૮: દેશના શિક્ષણ ક્ષેત્રે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને દૂરોગામી અસર કરનારો મોટો ફેરફાર સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટના કડક વલણ અને ઠપકા બાદ, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા ધોરણ-૮ ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે. "એક્સપ્લોરિંગ સોસાયટી: ઇન્ડિયા એન્ડ બિયોન્ડ" નામના આ નવા પુસ્તકમાંથી એડોલ્ફ હિટલરના સંદર્ભો, ન્યાયતંત્રની નકારાત્મક છબી અને ૧૯૪૭ના ભારત ભાગલા વખતે કોંગ્રેસની 'લાચારી' દર્શાવતા વાક્યોને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે, જ્યારે સ્વાતંત્ર્ય સેનાની વી.ડી. સાવરકરના પ્રદાનને નવું સ્થાન અપાયું છે.
આ ફેરફારની પ્રક્રિયા ત્યારે શરૂ થઈ જ્યારે સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર, કોર્ટમાં પેન્ડિંગ કેસો અને ન્યાયાધીશો સામેની ફરિયાદો સંબંધિત જૂની સામગ્રીને અત્યંત વાંધાજનક ગણાવી હતી. સર્વોચ્ચ અદાલતે આ જૂની વિગતો ધરાવતી તમામ ભૌતિક (પ્રિન્ટ) અને ડિજિટલ નકલો તાત્કાલિક અસરથી પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો. તેના પગલે NCERT એ આ પ્રકરણને સંપૂર્ણપણે સુધારીને ન્યાયતંત્રની ગરિમા જળવાય તે રીતે રજૂ કર્યું છે.
ભાગલાના ઇતિહાસમાં મોટો સુધારો
નવા પાઠ્યપુસ્તકમાં ભારતની આઝાદી અને દેશના ભાગલાના પ્રકરણને નવો વળાંક આપવામાં આવ્યો છે. જૂના પુસ્તકમાં એવું લખાણ હતું કે મહાત્મા ગાંધી અને મોટાભાગના કોંગ્રેસી નેતાઓએ ભાગલાનો વિરોધ કર્યો હોવા છતાં, આખરે તેમણે તેને 'એકમાત્ર રસ્તો' સમજીને સ્વીકારી લીધો હતો અને તે સમયે કોંગ્રેસના નેતાઓ સાંપ્રદાયિક નરસંહાર વચ્ચે 'લાચાર' હતા. આ 'લાચાર' શબ્દ અને નકારાત્મક દ્રષ્ટિકોણને નવા પુસ્તકમાંથી કાયમી ધોરણ હટાવી દેવાયા છે. હવે નવા સંસ્કરણમાં સ્પષ્ટ કરાયું છે કે કોંગ્રેસે ભાગલાનો સખત વિરોધ કર્યો હતો અને તેને સ્વીકારવો એ જ એકમાત્ર રસ્તો હતો કે નહીં, તે બાબત આજે પણ ચર્ચાસ્પદ છે.
નેતાજી સુભાષચંદ્ર બોઝ અને હિટલરનો સંદર્ભ હટાવાયો
બીજો એક મોટો વૈચારિક ફેરફાર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રયાસોના વર્ણનમાં જોવા મળ્યો છે. અગાઉના પુસ્તકમાં લખાણ હતું કે આઝાદી મેળવવા માટે નેતાજીએ જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરની મદદ માંગી હતી, જેની 'જાતિવાદી નાઝી વિચારધારા અને વિસ્તારવાદી નીતિઓ' વૈશ્વિક યુદ્ધ માટે જવાબદાર હતી. હવે સુધારેલા પુસ્તકમાંથી હિટલરનું નામ, તેની નાઝી વિચારધારા અને 'સરમુખત્યાર' જેવા નકારાત્મક શબ્દો સંપૂર્ણપણે ગાયબ કરી દેવામાં આવ્યા છે. તેના સ્થાને હવે માત્ર એટલું જ લખવામાં આવ્યું છે કે નેતાજી બોઝે ભારતની આઝાદી માટે "બ્રિટિશ વિરોધી દળો પાસેથી ટેકો માંગ્યો હતો".
વી.ડી. સાવરકરના ઇતિહાસનો ઉમેરો
આ નવા શૈક્ષણિક ફેરફારો અંતર્ગત પાઠ્યપુસ્તકમાં રાષ્ટ્રવાદી નેતા વિનાયક દામોદર સાવરકર (વી.ડી. સાવરકર) ના પ્રદાનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. પુસ્તકમાં નવો ઉમેરો કરીને જણાવાયું છે કે, વર્ષ ૧૯૨૫ માં જ્યારે દેશમાં પૂર્ણ સ્વતંત્રતાની માંગ પર વ્યાપક ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે વી.ડી. સાવરકરે પણ સમાંતર રીતે દેશ માટે 'સ્વરાજ' ની મજબૂત માંગણી રજૂ કરી હતી. શૈક્ષણિક વિવેચકોના મતે, આ ફેરફારો ભારતના ઇતિહાસને વધુ સંતુલિત અને ગૌરવશાળી રીતે રજૂ કરવાનો એક સત્તાવાર પ્રયાસ છે.

(6:02 PM IST)