<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

પેટ્રોલ-ડીઝલ પર લાગતા વિન્‍ડફોલ ટેક્‍સમાં મોટો ફેરફાર

સરકારે પેટ્રોલના એક્‍સપોર્ટ પર લાગતો વિન્‍ડફોલ ટેક્‍સ વધારી દીધો છે. જ્‍યારે ડીઝલ પર લાગતા ટેક્‍સમાં ઘટાડો કર્યો

નવી દિલ્‍હી તા.૧૬: કેન્‍દ્રની મોદી સરકારે મોડી રાતે ઈંધણ પર લાગતા વિન્‍ડફોલ ટેક્‍સમાં મોટો ફેરફાર કર્યો. આ આદેશ મુજબ સરકારે પેટ્રોલના એક્‍સપોર્ટ પર લાગતો વિન્‍ડફોલ ટેક્‍સ વધારી દીધો છે. જ્‍યારે ડીઝલ પર લાગતા વિન્‍ડફોલ ટેક્‍સમાં ઘટાડો કર્યો છે. એટલે કે પેટ્રોલ પર એક જ ઝટકે ૨ રૂપિયા પ્રતિ લીટર વિન્‍ડફોલ ટેક્‍સ વધ્‍યો જ્‍યારે ડીઝલની નિકાસ પર ડ્‍યૂટીને ૧૬ રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડી સાડા આઠ રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે આ ફેરફાર મધરાતે ૧૨ વાગ્‍યાથી એટલે કે ૧૬ ઓક્‍ટોબરથી જ લાગૂ  થઈ ગયા છે.

સરકારે મોડી રાતે પેટ્રોલની નિકાસ પર લાગતા ટેક્‍સને ૦.૫૦ રૂપિયા પ્રતિ લીટરથી વધારીને ૨.૫૦ રૂપિયા પ્રતિ લીટર કર્યો છે. એટલે કે પાંચ ગણો વધારો ઝીંકાયો છે. જ્‍યારે ડીઝલની નિકાસ પર લાગતા ટેક્‍સને ૧૬ રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને ૮.૫૦ રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્‍યો છે. એટલે કે સાડા સાત રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. CBICના જણાવ્‍યાં મુજબ એવિએશન ટર્બાઈન ફયૂલ (ATF) પર લાગતો વિન્‍ડફોલ ટેક્‍સ હતો એટલો જ એટલે કે યથાવત રહેશે. સરકારે ઘરેલુ વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર લાગૂ ટેક્‍સ દરોમાં હાલ કોઈ ફેરફાર કર્યો નથી.

અત્રે જણાવવાનું કે છેલ્‍લા કેટલાક વર્ષોથી બ્રિટન અને અમેરિકા જેવા વિક્‍સિત દેશો પણ આ રીતે વિન્‍ડફોલ ટેક્‍સ લગાવે છે. વિન્‍ડફોલ ટેક્‍સને સરળ ભાષામાં સમજવું હોય તો ઓઈલ કંપનીઓને અચાનક થતો પ્રોફિટ. ઉદાહરણ તરીકે સમજવું હોય તો જ્‍યારે ભારે પવનથી ઝાડ પર  લટકેલા ફળ આપોઆપ નીચે પડે તો જરાય મહેનત કર્યા વગર તમને ફળ મળી જતા હોય છે. વિન્‍ડફોલ ટેક્‍સ પણ કઈક એવું જ કહી શકાય. વિન્‍ડફોલ એ ઓઈલ કંપનીઓની એવી વધારાની કમાણી છે જે તેમને બહારના અન્‍ય કારણોથી અચાનક ઉપજતી હોય છે. કંપનીઓને થતી આવી આકસ્‍મિક વધારાની કમાણી પર સરકાર દ્વારા આ પ્રકારે વિન્‍ડફોલ ટેક્‍સ લગાવવામાં આવે છે.

ભારતમાં સરકાર તરફથી પહેલીવાર જુલાઈ ૨૦૨૨માં ઓઈલની નિકાસ પર વિન્‍ડફોલ ટેક્‍સ લગાવવામાં આવ્‍યો હતો.

ત્‍યારબાદ જો કે તેને બે વર્ષ પછી હટાવી દેવાયો હતો.  અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્‍ચે ફાટી નીકળેલા સંઘર્ષને પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો ત્‍યારબાદ સરકારે માર્ચ ૨૦૨૬માં તેને ફરથી લાગૂ કર્યો.

સરકાર દર ૧૫ દિવસે વિન્‍ડપોલ ટેક્‍સની સમીક્ષા કરે  છે.  ઈન્‍ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં થતા ફેરફાર મુજબ તેમાં સરકાર ફેરફાર થાય છે.

જ્‍યારે વૈશ્વિક સ્‍તરે ઘટતી ઘટનાઓ, સપ્‍લાય ચેન ખોરવાય ત્‍યારે એવી સ્‍થિતિમાં સરકાર આવો ટેક્‍સ લગાવે છે.  વધારાના ટેક્‍સ કલેક્‍શનથી સરકારના ખજાનામાં વધારો થાય છે.

આ વધારાની આવકનો ઉપયોગ દેશના આર્થિક બોજાને ઘટાડવા માટે થઈ શકે છે.  દેશમાં જ્‍યારે ઈંધણના ભાવમાં વિસ્‍ફોટ, મોંઘવારીના કારણે નાગરિકો પર બોજો વધે છે ત્‍યારે સરકાર આ વિન્‍ડફોલ ટેક્‍સના નાણાનો દેશવાસીઓને રાહત આપવા માટે ઉપયોગ કરી શકે છે.  તેમાંથી મળતી કમાણીને કલ્‍યાણકારી યોજનાઓમાં ઉપયોગમાં લેવાય છે.

(10:54 AM IST)